અયોધ્યાના રામ મંદિરમાં ચડાવા અને ચંદાની ચોરીના આરોપીઓના ઘરે દરોડા પાડ્યા, ડોલર-સોનું-ચાંદી જપ્ત કર્યા

અયોધ્યાના રામ મંદિરમાં ચડાવા અને ચંદાની ચોરીના મામલે ભારે હોબાળો મચી ગયો છે. આ કેસમાં પોલીસ અને SITની ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને આરોપીઓના ઘરે દરોડા પાડ્યા છે, જેમાં લાખો રૂપિયાની રોકડ, વિદેશી કરન્સી અને કિંમતી દાગીના મળી આવ્યા છે. આ મોટા વિવાદ વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની આગામી 6 જુલાઈએ એક મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં કેટલાક મોટા નિર્ણયો લેવાય તેવી સંભાવના છે. પોલીસ અને તપાસ ટીમે દાન ચોરીના આરોપીઓના ઘરેથી જે રિકવરી કરી છે તેનું વિગતવાર લિસ્ટ બહાર આવ્યું છે.
• અવિનાશ શુક્લા: તેના ઘરેથી સૌથી વધુ 20,39,220 રૂપિયા રોકડા, 1121 અમેરિકી ડૉલર અને 159.54 ગ્રામ ચાંદી જેવી ધાતુ મળી આવી છે.
• કરુણેશ પાંડે: તેના ઘરેથી કુલ 18,07,063 રૂપિયાની રોકડ અને સિક્કા જપ્ત કરાયા છે.
• અનુકલ્પ મિશ્રા: તેના ત્યાંથી 16,82,040 રૂપિયા રોકડા મળી આવ્યા છે.
• લવકુશ મિશ્રા: તેના રહેઠાણ પરથી 14,25,000 રૂપિયાની રોકડ રિકવર થઈ છે.
• રમાશંકર મિશ્રા: તેની પાસેથી 7,32,170 રૂપિયા રોકડા અને ચાંદીના સિક્કા મળ્યા છે.
• મનીષ કુમાર યાદવ: તેના ઘરેથી 2,00,000 રૂપિયાની રોકડ મળી છે.
• રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ: તેના ઘરેથી 1,00,000 રૂપિયા રોકડા, સોના-ચાંદીના દાગીના અને કિંમતી ધાતુ મળી આવી છે.
આ સિવાય આરોપીઓના ઘરોમાંથી રોકાણના વિવિધ દસ્તાવેજો પણ મળી આવ્યા છે.
આ વિવાદની સીધી અસર રામ મંદિર ટ્રસ્ટ પર પડી છે. ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય અને સભ્ય અનિલ મિશ્રાએ પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા છે. 6 જુલાઈએ મળનારી ટ્રસ્ટની બેઠકમાં આ રાજીનામા સ્વીકારવામાં આવે તેવી પૂરી શક્યતા છે. આ સિવાય અગાઉ એક સભ્યના નિધન બાદ એક પદ પહેલેથી ખાલી હતું, તેથી હવે ટ્રસ્ટ સામે ખાલી પડેલા 3 પદોને ભરવા અને નવી વ્યવસ્થા ગોઠવવાનો મોટો પડકાર છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વિવાદોની વચ્ચે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય હાલ એકાંતવાસમાં જતા રહ્યા છે. તેમણે પોતાના નજીકના સંબંધીઓ સાથે વાતચીતમાં કથિત રીતે જણાવ્યું છે કે, અયોધ્યામાં મારી સેવા હવે પૂરી થઈ ગઈ છે અને હું માથા પર કોઈ કલંક લઈને અહીંથી નહીં જાઉં. જો કે, આ બાબતે ચંપત રાય કે રામ મંદિર ટ્રસ્ટ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. હાલ પોલીસ અને એસઆઈટી આ સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે તપાસ ચલાવી રહી છે.





