HALVAD:હળવદના સુખપર નજીક હૃદયદ્રાવક અકસ્માત: બાઈક આડે ગાય ઉતારતા ટ્રેક્ટર પાછળ ભટકાયું, કચ્છના યુવકનું મોત




HALVAD:હળવદના સુખપર નજીક હૃદયદ્રાવક અકસ્માત: બાઈક આડે ગાય ઉતારતા ટ્રેક્ટર પાછળ ભટકાયું, કચ્છના યુવકનું મોત

હળવદ તાલુકાના સુખપર ગામ નજીક માળીયા-ધ્રાંગધ્રા હાઇવે પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પુલ પરથી પસાર થઈ રહેલા બાઈક સામે અચાનક ગાય આવી જતાં મોટરસાયકલ આગળ જઈ રહેલા ટ્રેક્ટર-ટ્રોલીની પાછળ ધડાકાભેર અથડાયું હતું. આ કરુણ અકસ્માતમાં બાઈકચાલક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ, મૂળ કચ્છના નલિયાટીબા ગામના રહેવાસી પ્રવિણભાઈ બાબુભાઈ મકવાણા (ઉંમર વર્ષ ૩૯) પોતાનું બાઈક લઈને માળીયા-ધ્રાંગધ્રા હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન સુખપર ગામ પાસે આવેલા પુલ ઉપર એકાએક તેમની બાઈક આડે ગાય આવી ગઈ હતી. ગાયને બચાવવાના પ્રયાસમાં પ્રવિણભાઈએ બાઈક પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બાઈક આગળ જઈ રહેલા ટ્રેક્ટર-ટ્રોલીના પાછળના ભાગે જોરદાર રીતે અથડાયું હતું.આ અકસ્માત એટલો ભયાનક હતો કે પ્રવિણભાઈને કપાળ તેમજ નાકના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી અને લોહીલુહાણ હાલતમાં તેઓ ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા.સ્થાનિક લોકો અને રાહદારીઓની મદદથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ કમનસીબે હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના હાજર તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા.આ બનાવની જાણ થતાં જ હળવદ પોલીસની ટીમ હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતકના શવને પીએમ અર્થે ખસેડી, હાલ પૂરતો અકસ્માતે મોતના ગુના (અ. મોત)ની નોંધ કરી છે અને અકસ્માત પાછળના ચોક્કસ કારણો તેમજ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવકના અકાળે અવસાનથી તેમના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.


