વેલંજા પ્રાથમિક શાળા ક્રમાંક 379 ની બહાર ભ્રષ્ટાચારનો રોડ બેસી ગયો: માત્ર એક જ વરસાદમાં તંત્રની પોલ ખુલી, માસૂમ બાળકોનું ભવિષ્ય ‘રામ ભરોસે’?

કામરેજ વેલંજા- સ્થાનિક તંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત તેમજ નબળી ગુણવત્તાના કામોનો ભોગ હવે શાળાએ જતા માસૂમ બાળકો બની રહ્યા હોય તેવો ઘાટ વેલંજામાં સર્જાયો છે. વેલંજા પ્રાથમિક શાળા ક્રમાંક નંબર.379 ની બહાર 7 થી 8 મહિના પેલા બનેલો નવો નકોર રોડ માત્ર એક જ વરસાદમાં બેસી જતાં તંત્રના વિકાસના દાવાઓની ધજાગરા ઉડી ગયા છે. લોકચર્ચા મુજબ, માંડ 6 થી 8 મહિના પહેલાં જ કરોડોના ખર્ચે બનેલા આ રોડની ગુણવત્તા એટલી હલકી કક્ષાની છે કે પ્રથમ વરસાદે જ અહીંથી પસાર થતી સ્કૂલ વાનનું ટાયર રોડમાં ખુશી ગયું હતું, જેના કારણે મોટી હોનારત સર્જાતા સહેજમાં અટકી હતી.
પહેલા જ વરસાદમાં ‘વિકાસ’ ધોવાયો, સ્કૂલ વાન ફસાઈ
મળતી માહિતી મુજબ, આજે સવારે જ્યારે માસૂમ બાળકો ભરેલી એક સ્કૂલ વાન ગાડી વેલંજા પ્રાથમિક શાળા ક્રમાંક નંબર 379 તરફ આવી રહી હતી, ત્યારે અચાનક જ રોડ બેસી ગયો હતો અને વાનનું ટાયર જમીનમાં ગરકાવ થઈ ગયું હતું. હજુ તો ચોમાસાની બરાબર શરૂઆત પણ નથી થઈ, ત્યાં જ એક જ સામાન્ય વરસાદમાં રોડની આ દશા જોઈને વાલીઓ અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો આ સમયે વાન પલટી મારી ગઈ હોત, તો બાળકોના જીવ પર જોખમ આવી શકત.
6 થી 8 મહિના પહેલાં બનેલા રોડમાં મોટો ભ્રષ્ટાચાર?
સ્થાનિક લોકોમાં થતી ચર્ચા મુજબ, આ પ્રાથમિક શાળાની બહારનો રોડ હજુ 6 થી 8 મહિના પહેલાં જ બનાવવામાં આવ્યો હતો. આટલા ટૂંકા સમય ગાળામાં રોડ બેસી જવો એ સ્પષ્ટ કરે છે કે રોડ બનાવવામાં ભારે લોટપાણી ને લાકડા જેવી નીતિ અપનાવી નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે. સરકારી નાણાંનો બેફામ દુરુપયોગ કરીને કોન્ટ્રાક્ટરોએ ખિસ્સા ભર્યા છે અને અધિકારીઓએ આંખ આડા કાન કર્યા છે, જેનો ભોગ હવે શાળાના નિર્દોષ બાળકો બની રહ્યા છે.
બાળકોનું ભવિષ્ય ‘રામ ભરોસે’!
નબળા રોડ-રસ્તા અને તંત્રની આવી ઘોર બેદરકારીને કારણે વાલીઓમાં ભારે ચિંતાનો માહોલ છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? શાળાની બહાર જ જે બાળકો સુરક્ષિત ન હોય, તો દેશનું ભવિષ્ય કેવી રીતે સુરક્ષિત રહેશે? હાલ તો વેલંજાના આ વિસ્તારમાં એક જ ચર્ચા છે કે ડિજિટલ ઇન્ડિયા અને સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે વેલંજામાં બાળકોનું ભવિષ્ય ખરેખર ‘રામ ભરોસે’ મૂકી દેવામાં આવ્યું છે.
સ્થાનિકોની માંગ:
આ મામલે ઉચ્ચ કક્ષાએથી તાત્કાલિક તપાસ થાય, નબળી ગુણવત્તાનો રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરી તાકીદે રોડનું સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
રિપોટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત










