રહીશો રસ્તા પર ઉતર્યા ને તંત્ર દોડતું થયું!

કોમર્શિયલ પ્રવૃત્તિઓ સામે સરથાણા ઝોન કચેરીએ ઉગ્ર વિરોધ
મહિલાઓ સહિત મોટી સંખ્યામાં રહીશોનો આક્રોશ; “અગાઉ કાર્યવાહી કેમ નહીં?”ના સવાલો વચ્ચે અધિકારીઓએ આવતીકાલથી કાયદેસર કાર્યવાહીનું આપ્યું આશ્વાસન
સુરત : સરથાણા વિસ્તારમાં આવેલી સંત દેવીદાસ સોસાયટીમાં રહેણાંક વિસ્તારમાં ચાલતી કથિત ગેરકાયદેસર કોમર્શિયલ પ્રવૃત્તિઓ સામે આખરે રહીશોના રોષનો જ્વાળામુખી ફાટ્યો હતો. ટ્રાફિક, પાર્કિંગ અને રહેણાંક વિસ્તારની શાંતિને અસર થતી હોવાના આક્ષેપ સાથે સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં એકત્ર થઈ રેલી સ્વરૂપે સરથાણા ઝોન કચેરીએ પહોંચ્યા હતા.
રહીશોના ઉગ્ર વિરોધને પગલે ઝોન કચેરી ખાતે વાતાવરણ ગરમાયું હતું. મહિલાઓ સહિત રહીશોએ પોતાની સમસ્યાઓ અધિકારીઓ સમક્ષ રજૂ કરી અને રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃત્તિઓને લઈને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા.
રહીશોનો સીધો સવાલઃ કાર્યવાહી માટે રસ્તા પર ઉતરવું પડે?
રહીશોએ સવાલ કર્યો હતો કે જો રહેણાંક વિસ્તારમાં નિયમવિરુદ્ધ કોમર્શિયલ પ્રવૃત્તિ ચાલી રહી હોય તો અગાઉથી તપાસ અને કાર્યવાહી કેમ કરવામાં આવી નહીં? નાગરિકો દ્વારા રજૂઆત કર્યા બાદ પણ જો સમસ્યા યથાવત રહેતી હોય તો તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઊભા થાય તે સ્વાભાવિક છે.
રહીશોના જણાવ્યા મુજબ, કોમર્શિયલ પ્રવૃત્તિઓને કારણે સોસાયટીમાં બહારથી આવતા લોકો અને વાહનોની અવરજવર વધતા પાર્કિંગ તથા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. રહેણાંક વિસ્તારની શાંતિ અને સ્થાનિક પરિવારોની સુવિધા જળવાઈ રહે તે માટે આવી પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી.
ઉગ્ર વિરોધ બાદ અધિકારીઓનું આશ્વાસન
રહીશોના ઉગ્ર વિરોધ અને રજૂઆત બાદ અધિકારીઓ દ્વારા મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી. રહીશોના જણાવ્યા મુજબ, આવતીકાલથી કોમર્શિયલ બાંધકામો તથા નિયમવિરુદ્ધ કોમર્શિયલ ઉપયોગ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવશે તેવું અધિકારીઓ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે.
આશ્ચર્યની વાત એ છે કે રહીશોનો વિરોધ ઉગ્ર બન્યા બાદ જ કાર્યવાહીનું આશ્વાસન સામે આવ્યું છે. જેના પગલે હવે સોસાયટીના રહીશોનો એક જ સવાલ છે આશ્વાસન પર કાર્યવાહી થશે કે ફરી માત્ર કાગળ પર જ વાત અટકી જશે?”
હવે તંત્રની કસોટી
રહીશોના વિરોધ બાદ અધિકારીઓએ આપેલા આશ્વાસનથી મામલો હાલ શાંત થયો છે, પરંતુ હવે ખરી કસોટી આવતીકાલથી શરૂ થશે. તંત્ર ખરેખર સ્થળ તપાસ કરીને નિયમવિરુદ્ધ કોમર્શિયલ પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરે છે કે નહીં તે જોવાનું રહેશે.
રહીશોની માંગ છે કે માત્ર નોટિસ કે આશ્વાસન પૂરતું ન રાખી સ્થળ તપાસ, કાયદેસરની કાર્યવાહી અને જરૂરી હોય ત્યાં સીલિંગ સહિતના પગલાં નિયમ મુજબ લેવામાં આવે.
રહીશોનો વિરોધ તંત્ર સુધી તો પહોંચ્યો, હવે તંત્રની કાર્યવાહી જમીન પર ક્યારે દેખાશે?
મોટો સવાલ
“રહીશોનો વિરોધ થાય ત્યાર બાદ જ તંત્ર કેમ જાગે છે?”
આવતીકાલથી કાયદેસરની કાર્યવાહી કરવાની અધિકારીઓની ખાતરી બાદ હવે સૌની નજર તંત્રના આગામી પગલાં પર.
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત




