
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગનાં અંતરિયાળ ઘુબડિયા ગામનાં ખેડૂતપુત્ર અસ્મિત કુંવરે ફર્સ્ટ ક્લાસ સાથે MBBS પૂર્ણ કરી રચ્યો સંઘર્ષનો ઇતિહાસ પ્રાપ્ત માહિતી મુજબ ડાંગ જિલ્લામાં આર્થિક અભાવ, દિવસમાં એક ટંક ભોજન, અભ્યાસ દરમિયાન આવેલી ATKT અને અનેક મુશ્કેલીઓ, સામાન્ય રીતે આવી પરિસ્થિતિમાં યુવાન પોતાના સપના છોડી દેતો હોય છે.પરંતુ ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના અંતરિયાળ વિસ્તારના ઘુબડિયા ગામના અસ્મિત સીતારામ કુંવરે સંઘર્ષ સામે ઝૂકવાને બદલે તેને જ પોતાની સફળતાનું શસ્ત્ર બનાવ્યુ.ખેડૂત પરિવારમાં જન્મેલા અસ્મિતે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ, કરમસદમાંથી ફર્સ્ટ ક્લાસ સાથે MBBS પૂર્ણ કરીને માત્ર પોતાના પરિવાર જ નહીં, સમગ્ર ડાંગ અને આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે.અસ્મિતનો શૈક્ષણિક પ્રવાસ પણ સંઘર્ષથી ભરેલો રહ્યો. ધોરણ ૧ થી ૧૦ સુધી તેણે સુબીરની નવજ્યોત હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો, જ્યારે ધોરણ ૧૧ અને ૧૨ નો અભ્યાસ વિજ્ઞાન પ્રવાહમાં આહવાની દીપદર્શન શાળામાં પૂર્ણ કર્યો. ત્યાર બાદ પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ, કરમસદ ખાતે MBBSમાં પ્રવેશ મેળવ્યો.પ્રથમ ધોરણથી જ માતા-પિતાએ દીકરાના ભવિષ્ય માટે તેને હોસ્ટેલમાં મૂકવાનો કઠિન નિર્ણય લીધો હતો. આ નિર્ણયનું ફળ આજે MBBSની ડિગ્રી રૂપે મળ્યું છે.ડાંગના અંતરિયાળ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા વચ્ચે માતા-પિતાએ ખેતી, પશુપાલન અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને પરિવારને આગળ વધાર્યો. ગામડાથી શહેરમાં આવી અભ્યાસ કરવો, શહેરના વિદ્યાર્થીઓ સાથે તાલ મિલાવવો અને હોસ્ટેલ જીવન જીવવું અસ્મિત માટે સહેલું નહોતું. તેમ છતાં તેણે ક્યારેય હિંમત હારી નહીં.MBBSનો ખર્ચ પરિવાર માટે અસહ્ય હતો. કોરોનાકાળ દરમિયાન અભ્યાસમાં અવરોધ ઊભા થતાં અસ્મિતને ATKT આવી અને આર્થિક સંકટ વધુ ઘેરું બન્યુ. એક સમય એવો આવ્યો જ્યારે તેણે ડોક્ટર બનવાનું સપનું અધૂરું છોડી દેવાનો નિર્ણય કરી લીધો હતો.પરંતુ આ મુશ્કેલ સમયમાં માંડવીના સંવેદનશીલ શિક્ષકો અને સેવાભાવી ડોક્ટરોનું જૂથ તેના માટે દેવદૂત બનીને આવ્યું. તેમણે અસ્મિતની કોલેજ અને હોસ્ટેલની સંપૂર્ણ ફીની જવાબદારી સ્વીકારી. આ નિઃસ્વાર્થ પ્રયાસમાંથી જ ‘સૌનો સાથ’ ગ્રુપની શરૂઆત થઈ, જેનો હેતુ આર્થિક અભાવે કોઈપણ પ્રતિભાશાળી વિદ્યાર્થીનું શિક્ષણ અટકી ન જાય તે સુનિશ્ચિત કરવાનો છે.અસ્મિતના જીવનમાં માતાનો વિશ્વાસ પણ સૌથી મોટી શક્તિ બન્યો. મુશ્કેલ સમયમાં માતાએ તેને એક જ વાત કહી હતી કે, “ગમે તેવી પરિસ્થિતિ આવે, પરંતુ તારે ડોક્ટર બનવાનું જ છે. મને વિશ્વાસ છે કે તું ચોક્કસ ડોક્ટર બનશે.” માતાના આ શબ્દોએ અસ્મિતને નવી હિંમત આપી. તેણે ઘરની પરિસ્થિતિ સમજીને દિવસ-રાત મહેનત કરી, ઘણી વખત એક જ ટંક ભોજન કરીને અભ્યાસ ચાલુ રાખ્યો અને આખરે સફળતા મેળવી.સંઘર્ષ માત્ર અભ્યાસ પૂરતો જ સીમિત નહોતો. કોલેજની રજાઓમાં અસ્મિત માતા-પિતા સાથે ખેતીકામમાં હાથ બટાવતો. આજે ફર્સ્ટ ક્લાસ સાથે MBBS પૂર્ણ કરનાર અસ્મિત હવે પોસ્ટ ગ્રેજ્યુએશન (PG) કરીને નિષ્ણાત ડોક્ટર બનવાનું સ્વપ્ન સાકાર કરવા માંગે છે. તેની સફળતાથી ઘુબડિયા ગામમાં ખુશીનો માહોલ છે. આદિવાસી સમાજ, ગામલોકો અને જેમણે મુશ્કેલ સમયમાં તેની મદદ કરી હતી તેઓ સૌ અસ્મિતને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.ડૉ. અસ્મિત કુંવરની સફળતા એ માત્ર એક વિદ્યાર્થીની સિદ્ધિ નથી, પરંતુ એ સાબિતી છે કે મક્કમ ઈરાદા, પરિવારનો વિશ્વાસ અને સમાજનો સહયોગ મળે તો ગરીબી કે મુશ્કેલીઓ કોઈપણ સપનાને અટકાવી શકતી નથી. ડાંગના આ યુવાને પોતાના સંઘર્ષથી અનેક યુવાનો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.




