
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં માત્ર 10 કલાકમાં સરેરાશ 253 મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં વઘઈ તાલુકામાં સૌથી વધુ 330 મી.મી., આહવામાં 197 મી.મી. અને સુબીરમાં 232 મી.મી. વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે જિલ્લાના જિલ્લા પંચાયત હસ્તકના 37 માર્ગો કોઝવે અને સ્લેબ ડ્રેન ઉપર પાણી ફરી વળતાં અવરોધાયા છે.
રાજ્ય માર્ગ અને મકાન વિભાગે મુખ્ય માર્ગો પર વૃક્ષો દૂર કરી અને નુકસાનગ્રસ્ત રસ્તાઓને પૂર્વવત કરવા રાહત કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે. જિલ્લા કલેક્ટર એન.ડી. પરમાર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને તમામ વિભાગોને એલર્ટ રાખવામાં આવ્યા છે.
જિલ્લા વહીવટી તંત્રે નાગરિકો અને પર્યટકોને બંધ રસ્તાઓનો ઉપયોગ ન કરવા, વૈકલ્પિક માર્ગ અપનાવવા, નદી-નાળા અને ધોધ નજીક ન જવા તેમજ જોખમી સેલ્ફીથી દૂર રહેવા અપીલ કરી છે. કોઈપણ આપત્તિજનક સ્થિતિમાં જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા પણ સૂચના આપવામાં આવી છે.




