કાંકણપુરની આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ ઉજવાયો

પ્રતિનિધિ ગોધરા
નિલેશકુમાર દરજી શહેરા 
ગોધરા તાલુકાની કાંકણપુર સ્થિત શ્રી જે. એલ. કે. કોટેચા આર્ટ્સ એન્ડ શ્રીમતી એસ.એચ. ગાર્ડી કોમર્સ કોલેજ ખાતે બી.એ. અને બી. કૉમ. સેમેસ્ટર-૧ માં નૂતન પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે એક ભવ્ય પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના પ્રારંભે કોલેજ પરિવાર દ્વારા તમામ નવા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ વિદ્યાર્થીઓને શુકન રૂપે પેન ભેટમાં આપી અને ચોકલેટથી સૌનું મીઠું મોઢું કરાવીને તેમની નવી શૈક્ષણિક સફરની શરૂઆત કરાવવામાં આવી હતી.
આ પ્રસંગે કોલેજના આચાર્ય જગદીશભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરી પોતાના શબ્દોથી તમામ વિદ્યાર્થીઓને આવકાર્યા હતા જ્યારે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી મૌલિનભાઈ શાહે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન ડૉ. એસ. એસ. રખિયાણિયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ આગળ વધારતા ડૉ. મોહસીન ગરાનાએ કોલેજના તમામ પ્રાધ્યાપકોનો નવપ્રવેશિત વિદ્યાર્થીઓ સાથે પરિચય કરાવ્યો હતો જેથી વિદ્યાર્થીઓ કોલેજના શૈક્ષણિક માહોલથી પરિચિત થઈ શકે.
વિદ્યાર્થીઓને કોલેજની વિવિધ સમિતિઓ અને વિભાગોથી માહિતગાર કરવાના હેતુથી અલગ-અલગ પ્રાધ્યાપકો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં ડૉ. જે. એલ. પટેલે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ડૉ. કે. જી. ચંદાણાએ પ્લેસમેન્ટ અને હિન્દી વિભાગ, ડૉ. સાબતસિંહ પટેલે રાષ્ટ્રીય સેવા યોજના, ડૉ. યુ. એસ. પટેલે સી. ડબલ્યુ. ડી. સી., ડૉ. એમ. સી. રાઠવાએ ઈનોવેશન ક્લબ અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ, ડૉ. અનિલ લકુમે સ્કૂલ ઓફ ફિનિશિંગ અને સમાજશાસ્ત્ર વિભાગ તથા ડૉ. છાયા પરમારે ગુજરાતી વિભાગ વિશે અત્યંત ઉપયોગી માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમના અંતે ડૉ. મૌલિકા પટેલે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ સંપન્ન થયો હતો.






