કાલોલ નગરપાલિકા દ્વારા 90 લાખના ખર્ચે બનેલી ગટરલાઇન પ્રથમ વરસાદે જ તૂટી,સ્લેબમાં ટ્રક ખાબક્તા તંત્ર સામે રોષ.

તારીખ ૦૩ /૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલિકામાં વધુ એકવાર વિકાસના નામે મોટા પાયે ચાલેલ ભ્રષ્ટાચાર નો પર્દાફાશ થયો છે. શહેરમાં સામાન્ય વરસાદ અને એક માલવાહક ટ્રકના વજનને કારણે નવી જ બનેલી ગટરલાઇનનો સ્લેબ તૂટી પડ્યો હતો. આ તૂટેલા સ્લેબના વિશાળ ગાબડામાં માલવાહક ટ્રક ફસાઈ જતાં કલાકો સુધી વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો, જેને પગલે પાલિકાની તકલાદી કામગીરી અને ભ્રષ્ટાચારની પોલ છતી થઈ છે.શુક્રવારે સવારે કાલોલ પાલિકા કચેરી રોડ પર આવેલા સડક ફળિયા અને પટેલ ફળિયાના નાકા પાસેથી એક માલવાહક ટ્રક પસાર થઈ રહી હતી. આ મુખ્ય માર્ગ પર ગત વર્ષે જ અંદાજે રૂ. ૯૦ લાખના ભારેખમ ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે નવી ગટરલાઇન બનાવવામાં આવી હતી. જોકે, ટ્રક પસાર થતાં જ ગટરલાઇન પરનો સિમેન્ટ કોંક્રિટનો સ્લેબ તૂટી પડ્યો હતો અને ટ્રકનું વ્હીલ ગટરના બોગદામાં ફસાઈ ગયું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ બપોર સુધી ક્રેઈનની મદદથી ટ્રકને હટાવવામાં ન આવી ત્યાં સુધી રસ્તાની બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને વેપારી માલવાહક વાહનો અટવાઈ પડ્યા હતા. કાલોલ નગરપાલિકા ની વર્ષ ૨૦૨૫ માં ચૂંટણી થયા બાદ દોઢેક વર્ષ નો સમય થવા આવ્યો છે તેમ છતાં પણ વિકાસ ને લગતું કોઈ નક્કર કામ જોવા મળતું નથી. હા ખાત મુહૂર્ત ભરપૂર થાય છે. ડ્રેનેજ લાઈન હોય કે પીવાના પાણીની સમસ્યા,રોડ, સાફ સફાઈ, સ્ટ્રીટ લાઇટ કોઈ પણ બાબતે કોઈ કામ થતા નથી. પાલિકામા બે થી ત્રણ જૂથો બનેલા હોય તેઓ અંદરોઅંદર જ વિખવાદ કરતા હોય પ્રજાના કોઈ કામો થતા નથી તેવી પણ ચર્ચા ચાલી રહી છે. હાલમાં બનેલા સીસી રોડ માં શાંતિનગર થી નવાપુરા ત્રણ રસ્તા નુ કામ અધૂરું છોડી દેવાયું છે પરિણામે પાણી ભરાયેલ રસ્તા ઉપર થી વાહન ચાલકો પસાર થાય ત્યારે ખાડામાં ઉતરી જાય છે.કાલોલ પાલિકા ભવનની આસપાસ ચોમાસામાં ભરાતા પાણીની કાયમી સમસ્યાના નિવારણ માટે ગત વર્ષે પાલિકાના વહીવટદારો દ્વારા ડ્રેનેજ લાઇન મોટી અને પહોળી કરવાનું આયોજન કરાયું હતું. અંદાજે રૂ. ૯૮ લાખના આ કામ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને ‘ઉદય કન્સ્ટ્રક્શન’ કંપનીને રૂ. ૯૦ લાખમાં આ કામ મંજૂર કરવામાં આવ્યું હતું. સ્થાનિકોમાં ચાલતી ચર્ચા મુજબ, આ કામગીરી કાગળ પર ઉદય કન્સ્ટ્રક્શનને અપાઈ હતી, પરંતુ વાસ્તવમાં પેટા-કોન્ટ્રાક્ટ (સબ-લેટ) આપીને પાલિકાના જ સત્તાધારી પક્ષના કાઉન્સિલર અથવા તેમના મળતિયાઓ દ્વારા જ આ કામ કરવામાં આવ્યું હતું. અને પેમેન્ટ પણ કરી દેવામાં આવ્યું હતુ. સોસાયટી વિસ્તારમાં પાણીના નિકાલ ની કોઈ વ્યવસ્થા નથી પ્રી મોન્સુન કામગીરી માત્ર કાગળ પર જ થાય છે. પાલિકામાં કોઈ એન્જિનિયર ની નિમણૂક થયેલ નથી લોકચર્ચા છે કે ટેન્ડર પ્રક્રિયામાં સભ્યો પોતાની સત્તાનો દુરુપયોગ કરીને પેટા કોન્ટ્રાક્ટ પોતાના હાથમાં લઈ લે છે. જરૂરી એન્જિનિયરિંગ અનુભવ, ગુણવત્તાના માપદંડ, લેવલ કે ક્ષમતાની ચકાસણી કર્યા વિના જ તકલાદી કામો કરી દેવામાં આવે છે, જેના પરિણામે આવા અકસ્માતો સર્જાય છે.આ કોઈ પ્રથમ ઘટના નથી. ગત વર્ષે કામગીરી ચાલુ હતી ત્યારે પણ પાલિકા ભવનની મુખ્ય ચોકડી પાસેનો ક્રોસ-વે સ્લેબ તૂટી ગયો હતો, જેના કારણે એક અઠવાડિયા સુધી મુખ્ય બજાર બંધ રાખવું પડ્યું હતું. આ સિવાય અન્ય એક સ્થળે ગટરનો સ્લેબ તૂટતાં ટ્રેક્ટર પણ ફસાયું હતું. આમ, એક જ વર્ષમાં ૨ થી ૩ વાર સ્લેબ તૂટવા છતાં નેતાઓની દખલગીરી અને ‘ડેમેજ કંટ્રોલ’ની રાજનીતિના જોરે કોન્ટ્રાક્ટરના કરોડોના બિલો મંજૂર કરી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. જેનાં પગલે નગરજનોમાં પાલિકા તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.






