BODELICHHOTA UDAIPUR

બોડેલીના કરોડોના ખર્ચે બનેલા નવા કોર્ટ સંકુલમાં પાણીની સમસ્યા: સમસ્યા હલ ન થાય તો બાર એસોસિએશને આપી આંદોલનની ચીમકી

​છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે રૂપિયા ૪ કરોડથી વધુના ખર્ચે બનેલા નવા ન્યાય મંદિર સંકુલમાં છેલ્લા એક વર્ષથી પીવાના પાણી અને શૌચાલયમાં પાણીની સુવિધાનો ગંભીર અભાવ હોવાના કારણે વકીલો, પક્ષકારો, મહિલાઓ, બાળકો અને કોર્ટ સ્ટાફ ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. દરરોજ ૫૦૦થી વધુ લોકો કોર્ટમાં આવતા હોવા છતાં ટેન્કરથી પાણી મંગાવીને કામ ચલાવવામાં આવે છે, જે થોડીક જ વારમાં પૂરું થઈ જાય છે અને ટેન્કર ન હોય ત્યારે આર.ઓ. પ્લાન્ટ પણ બંધ હાલતમાં થઈ જાય છે, જ્યારે બીજી તરફ શૌચાલયોમાં પાણી ન હોવાના લીધે ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય સર્જાયું છે. બાર એસોસિએશનના જણાવ્યા મુજબ, કરોડોના ખર્ચે બનેલા આ સંકુલમાં પાણી જેવી પાયાની સુવિધા માટે અનેક રજૂઆતો અને બેઠકો કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો જ આપવામાં આવ્યા છે પરંતુ કોઈ કાયમી ઉકેલ લાવવા માટે ચોક્કસ પગલાં લેવાયા નથી. અનેક રજૂઆતો છતાં આ હાલાકીનું નિરાકરણ ન આવતા આખરે બોડેલી બાર એસોસિએશને ચેતવણી આપી છે કે જો આગામી ૭ દિવસમાં પાણીની સુવિધા ઉપલબ્ધ નહીં કરાય તો તેઓ પ્રથમ તબક્કામાં બોડેલી નગરપાલિકા ખાતે પ્રતિક ઉપવાસ, ત્યારબાદ જિલ્લા કોર્ટ ખાતે ધરણાં અને જરૂર પડ્યે ગુજરાત હાઈકોર્ટ સુધી રજૂઆત તેમજ હડતાળ સહિતના ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરશે.
રિપોર્ટર ખત્રી તોસીફ

Back to top button
error: Content is protected !!