ધારાસભ્ય રાકેશ દેસાઈ અને કમિશનર જયેશ ઉપાધ્યાયની બેઠકમાં નવસારી શહેરના વિકાસકાર્યોને લીલી ઝંડી

વાત્સલયમ સમાચાર
મદન વૈષ્ણવ

ધારાસભ્ય રાકેશ દેસાઈ અને કમિશનર જયેશ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સંકલન બેઠક; ડ્રેનેજ, રોડ વાઈડનિંગ, ટ્રાફિક અને પૂર નિયંત્રણના કામોને અપાઈ પ્રાથમિકતા
નવસારી, તા. 4 નવસારી શહેરના સર્વાંગી વિકાસને વધુ વેગ આપવા અને નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ અસરકારક રીતે ઉપલબ્ધ કરાવવા માટે શનિવારે એનએમસી ટાઉન હોલ ખાતે ઉચ્ચસ્તરીય સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં શહેરના લાંબા સમયથી પડતર રહેલા વિકાસલક્ષી અને માળખાકીય પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
બેઠકમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ તથા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય (IAS)એ વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે વિસ્તૃત સમીક્ષા કરી હતી. અધિકારીઓને જનહિતના તમામ વિકાસકાર્યો સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.
ચોમાસાને ધ્યાનમાં રાખીને શહેરમાં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે જમાલપોર વિસ્તારમાં કાયમી એક્શન પ્લાન તૈયાર કરવા તથા નવા સમાવિષ્ટ 12 ગામોમાં ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઈનનું આયોજન તાત્કાલિક હાથ ધરવા નિર્ણય લેવાયો હતો.
શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા બારડોલી રોડથી ગ્રીડને જોડતા માર્ગનું વાઈડનિંગ, શાંતાદેવી રોડ-વિદ્યાભારતી શાળા માર્ગ પર બોક્સ કલ્વર્ટ અને સર્કલનું નિર્માણ તેમજ ટેક્નિકલ શાળા નજીક રોડ પહોળો કરવાની કામગીરીને પ્રાથમિકતા આપવા સૂચના આપવામાં આવી હતી.
ઈટાળવા વિસ્તારમાં વીજ પુરવઠો વધુ મજબૂત બનાવવા માટે નવા DGVCL સબ-સ્ટેશન માટે જમીન ફાળવણીની પ્રક્રિયા શરૂ કરવા તેમજ સ્મશાનભૂમિ આસપાસના ગેરકાયદે દબાણો દૂર કરવા કડક કાર્યવાહી કરવા પણ તંત્રને નિર્દેશ અપાયા હતા.
પૂર નિયંત્રણ માટે પૂર્ણા નદીના કિનારે હાઈ ફ્લડ લેવલને ધ્યાનમાં રાખી પ્રોટેક્શન વોલ બનાવવાની પ્રક્રિયા ઝડપી બનાવવા, શીતલ પાર્ક હોટલ સામેના વિસ્તારમાં વરસાદી પાણીના કાયમી નિકાલ માટે રેલવે અંડરપાસના વિકલ્પ પર કાર્યવાહી કરવા તેમજ શક્તિનગર વિસ્તારમાં નવી ડ્રેનેજ લાઈનનું આયોજન કરવા પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને સરળ અને પારદર્શક રીતે આવાસનો લાભ મળી રહે તે માટે પ્રક્રિયા વધુ સરળ બનાવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. સાથે જ DGVCLને માર્ગોના રી-સર્ફેસિંગ અને સીસી રોડના કામો દરમિયાન વીજ પોલ અને ટ્રાન્સફોર્મરોનું યોગ્ય સ્થળાંતર કરી કામગીરીમાં અવરોધ ન ઉભો થાય તેની ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી.
બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર, સિટી ઈજનેર સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અને શહેરના વિકાસકાર્યોને સમયસર પૂર્ણ કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.



