RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: વિંછીયાનાં અમરાપુર ખાતે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને ‘રોજગાર ભરતીમેળો અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર’ યોજાયો

તા.૪/૭/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

યુવાનોને ‘દ્રઢ સંકલ્પ, સમર્પણ અને શિસ્ત’ સાથે ધ્યેય હાંસલ કરવા માર્ગદર્શન આપતાં મંત્રીશ્રી – ગ્રામ્ય વિસ્તારના યુવાનોને ઘરઆંગણે રોજગારી આપવા સરકાર કટિબદ્ધ – મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

૩૩ જેટલી કંપનીઓ અને ૧૮૦૦ થી વધુ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા: ૭૮૦ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઇ

Rajkot: રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના અમરાપુર ગામે શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, રોજગાર અને તાલીમની કચેરી, ગાંધીનગર મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી – રાજકોટ, આઈ.ટી.આઈ. રાજકોટ અને કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે રોજગાર ભરતીમેળો, સ્વરોજગાર માર્ગદર્શન શિબિર અને કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોજગાર ભરતીમેળામાં ૩૩ જેટલી કંપનીઓ અને ૧૮૭૨ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા, જે પૈકી ૭૮૦ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.

આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, વર્તમાન સમય એ કૌશલ્ય અને ટેક્નોલોજીનો સમય છે. દેશ અને રાજ્યના વિકાસમાં યુવાનોનું યોગદાન સર્વોપરી છે ત્યારે, દરેક યુવાને જીવનમાં કોઈ એક ચોક્કસ ધ્યેય નક્કી કરી, ડિટરમિનેશન (દ્રઢ સંકલ્પ), ડેડીકેશન (સમર્પણ) અને ડિસિપ્લિન (શિસ્ત)ના ત્રિવેણી સંગમ સાથે મહેનત કરીને તે ધ્યેયને હાંસલ કરવો જોઈએ.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત સરકાર રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી રોજગારી અને કૌશલ્ય વિકાસની તકો પહોંચાડવા માટે કટિબદ્ધ છે. વિંછીયા અને જસદણ જેવા ગ્રામ્ય વિસ્તારના યુવાનોને ઘરઆંગણે જ રોજગારી અને કારકિર્દી વિષયક યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી જ આવા મેગા ભરતીમેળા અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

તેમણે ઉપસ્થિત ઉમેદવારોને સરકારી યોજનાઓ, ‘કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી’ના રોજગારલક્ષી અભ્યાસક્રમો અને મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજનાનો મહત્તમ લાભ લઈ આત્મનિર્ભર બનવા અને ‘વિકસિત ભારત @ 2047’ના નિર્માણમાં સહભાગી થવા આહવાન કર્યું હતું.

આ તકે રાષ્ટ્રીય ગ્રામીણ આજિવિકા મિશનના અધિકારી શ્રી વી.બી.બસીયાએ દિનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનાની માહિતી તથા જે ૨૩ પ્રકારના કોર્ષ ચાલે છે તેની માહિતી આપી હતી. મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાનના ડો. સુમન વૈષ્ણવે સંસ્થામાં ચાલતા લોંગ ટર્મ-શોર્ટ ટર્મ કોર્ષ, પ્રોફેશનલ કોર્ષ તથા કેપેસિટી બિલ્ડીંગ કોર્ષ અંગે માહિતી આપી હતી.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના પ્રતિનિધિ દ્વારા વાજપેયી બેંકેબલ યોજના, માનવ કલ્યાણ યોજના,ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાના પ્રતિનિધિ દ્વારા સંસ્થામાં ચાલતા વિવિધ સ્વરોજગારલક્ષી કોર્ષ, સમાજ કલ્યાણ કચેરીના પ્રતિનિધિ દ્વારા વિવિધ આર્થિક ઉત્કર્ષની યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે આઈ.ટી.આઈના રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી કે.બી.કંઝારીયાએ ઉપસ્થિતોનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું.

આ પ્રસંગે અગ્રણીશ્રી ચંકીતભાઈ રામાણી, શ્રી અશ્વિનભાઈ સાકરીયા, શ્રી દેવજીભાઈ ઝાપડિયા, શ્રી વલ્લભભાઈ રાજપરા, શ્રી રમાબેન મકવાણા, શ્રી કાજલબેન ધોળકિયા, શ્રી જયસુખભાઈ ખીજડીયા, રોજગાર વિભાગનાશ્રી ચેતનાબેન મારડિયા, આઈ.ટી.આઈ.ના રિજનલ એમપ્લોયમેન્ટ ઓફિસર શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી, જસદણ-વિંછીયા આઈ.ટી.આઈના પ્રિન્સિપાલ શ્રી કે.વી.વાઘમશી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને વિવિધ કંપનીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!