KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નગરપાલિકા વોર્ડ નં.2માં અધૂરો CC રોડ સ્થાનિકો માટે બન્યો માથાનો દુખાવો, સ્મશાનયાત્રાને પણ ગંદા પાણી અને ખાડામાંથી પસાર થવાની પડી ફરજ.!!

 

તારીખ ૦૫/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર ૨ માં વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને કથિત આડખીલી વલણને કારણે સ્થાનિક રહીશો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. અગાઉ હલકી ગુણવત્તાના રોડનો વિરોધ કરી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરનાર જાગૃત નાગરિકો સાથે જાણે પાલિકા વેર વાળતી હોય તેમ, શાંતિનગર સોસાયટીના ગેટથી નવાપુરા ત્રણ રસ્તા તરફનો સીસી રોડ અગમ્ય કારણોસર અધૂરો છોડી દેવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સમગ્ર મામલાની વિગત એવી છે કે, વોર્ડ નંબર ૨ માં અગાઉ બનાવવામાં આવી રહેલા રોડની કામગીરી અત્યંત નબળી અને હલકી ગુણવત્તાની હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે સ્થાનિકોએ એક થઈને વિરોધ નોંધાવ્યો હતો અને છેક મુખ્યમંત્રી સ્તર સુધી લેખિત રજૂઆતો કરી હતી. જાગૃત નાગરિકોના આ વિરોધના પગલે તંત્રને નબળી ગુણવત્તાનું કામ બંધ કરવાની ફરજ પડી હતી. જો કે, ત્યાર બાદ લાંબા સમય સુધી અહીં નવો રોડ બનાવવામાં આવ્યો ન હતો. સ્થાનિકોની પુનઃ વારંવારની રજૂઆતો અને રઝળપાટ બાદ તાજેતરમાં માંડ સીસી રોડ બનાવવાની કામગીરી શરૂ કરાઈ ખરી, પરંતુ તેમાં પણ પાલિકાનું રહસ્યમય વલણ સામે આવ્યું છે.શાંતિનગર ગેટથી નવાપુરા ત્રણ રસ્તા સુધીનો માર્ગ બિસમાર તાજેતરમાં મંજૂર થયેલા સીસી રોડની કામગીરી દરમિયાન, શાંતિનગર સોસાયટીના ગેટથી લઈને નવાપુરા ત્રણ રસ્તા તરફ જતો મુખ્ય માર્ગ કોઈ અગમ્ય કારણોસર અધૂરો છોડી દેવામાં આવ્યો છે. રોડ બનાવવા માટે કરવામાં આવેલા ખોદકામને કારણે હાલ ત્યાં મોટા-મોટા ખાડા પડી ગયા છે. ચોમાસાની શરૂઆતમાં જ આ ખોદેલા ખાડાઓમાં વરસાદી અને ગંદા પાણી ભરાઈ જવાને કારણે સમગ્ર માર્ગ બિસ્માર બન્યો છે. વાહનચાલકો અને રાહદારીઓ અવારનવાર આ પાણી ભરેલા ખાડાઓમાં ખાબકી રહ્યા છે અને અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે.

આજે નીકળેલી સ્મશાનયાત્રા પણ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બની પાલિકાની આ આંધળી બહેરી નીતિનો ભોગ આજે જીવતા લોકો તો ઠીક, પરંતુ મૃતકના પરિવારજનોને પણ બનવું પડ્યું હતું. આજે શાંતિનગર સોસાયટીના એક રહીશનું અવસાન થતાં તેમની સ્મશાનયાત્રા આ જ માર્ગ પરથી નીકળી હતી. અત્યંત ખરાબ રસ્તો અને વરસાદી ભરાયેલા ગંદા પાણીના કારણે ડાઘુઓને ભારે હાલાકી વેઠવી પડી હતી. આ ગંભીર અને સંવેદનશીલ પરિસ્થિતિ વચ્ચે પણ સ્મશાનયાત્રાને એ જ ગંદા પાણી અને કાદવ-કીચડ ભરેલા ખાડાઓમાંથી પસાર થવાની ફરજ પડી હતી, જેને પગલે લોકોમાં નગરપાલિકાના શાસકો સામે પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે.શું વિરોધ કરવા બદલ નાગરિકોને સજા મળી રહી છે? સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, અગાઉ તંત્રના ભ્રષ્ટાચાર અને ખોટી બાબત સામે અવાજ ઉઠાવી રોડની કામગીરી અટકાવવામાં આવી હતી, બસ એ જ વાતની અદાવત રાખીને પાલિકા દ્વારા આ વિસ્તારના લોકો સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે. જનતાના ટેક્સના પૈસે ચાલતી નગરપાલિકા કયા કારણોસર આટલા મહત્વના વિસ્તારની કામગીરી અધૂરી મૂકીને બેઠી છે? તે એક મોટો સવાલ છે. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં આ અધૂરો રોડ તાત્કાલિક પૂરો કરવામાં નહીં આવે, તો પાલિકા સામે ઉગ્ર આંદોલન આદરવામાં આવશે.અધૂરા મુકાયેલા અને બિસ્માર બનેલા આ રોડના કારણે માત્ર રોજિંદી અવરજવર જ નહીં, પરંતુ ઈમરજન્સી સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે. સ્થાનિક રહીશોએ ભારે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, રોડની વચ્ચે ભરાયેલા પાણી અને મોટા ખાડાઓને કારણે જો કોઈ આકસ્મિક ઘટના બને કે કોઈ ગંભીર બીમાર થાય, તો જરૂરિયાતના સમયે ૧૦૮ એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડની ટીમ પણ આ વિસ્તારમાં પ્રવેશી શકે તેમ નથી.પાલિકાની આ આળસુ અને વેરભાવ વાળી નીતિના કારણે હજારો નાગરિકોના જીવ અત્યારે જોખમમાં મુકાયા છે. જો કોઈ મોટી દુર્ઘટના ઘટશે તો તેની સંપૂર્ણ જવાબદારી કાલોલ નગરપાલિકાના સત્તાધીશોની રહેશે તેમ રોષે ભરાયેલા સ્થાનિકોએ જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!