
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નુકસાનગ્રસ્ત માર્ગો પર યુદ્ધના ધોરણે મરામત શરૂ, પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા તંત્રની અપીલ
આહવા, તા.૫ ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદે અનેક પંચાયત માર્ગો, કોઝવે, પુલો, પાઇપ કલ્વર્ટ અને સાઇડ ડ્રેનોને નુકસાન પહોંચાડ્યું છે. અનેક સ્થળોએ માર્ગોના એપ્રોચ અને શોલ્ડર ધોવાઈ ગયા છે, જ્યારે કાદવ, પથ્થરો અને ઝાડ-ઝાંખરાના કારણે પાણીના વહેણમાં અવરોધ સર્જાતા પરિસ્થિતિ ગંભીર બની હતી.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પંચાયત માર્ગ અને મકાન વિભાગ (ડાંગ-આહવા) દ્વારા અધિકારીઓ, ટેકનિકલ સ્ટાફ તેમજ જેસીબી, ટ્રેક્ટર-ટ્રોલી સહિતની મશીનરી સાથે તાત્કાલિક ઇમરજન્સી કામગીરી શરૂ કરવામાં આવી છે. અસરગ્રસ્ત તમામ સ્થળોનું સ્થળ પર નિરીક્ષણ કરીને વાહનવ્યવહાર ઝડપથી પુનઃસ્થાપિત થાય તે માટે માટી, જી.એસ.બી. અને અન્ય જરૂરી સામગ્રીથી રસ્તાઓની મરામત હાથ ધરાઈ રહી છે.
વિભાગ દ્વારા ધોવાઈ ગયેલા એપ્રોચ અને શોલ્ડરની પણ તાત્કાલિક મરામત કરવામાં આવી રહી છે. સાથે જ કોઝવે, પુલો અને પાઇપ કલ્વર્ટમાંથી કાદવ તથા ઝાડ-ઝાંખરા દૂર કરીને વરસાદી પાણીના પ્રવાહને સરળ બનાવવામાં આવ્યો છે. રસ્તાની બંને બાજુ આવેલી સાઇડ ડ્રેનોની સફાઈ પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જેથી પાણીનો ઝડપથી નિકાલ થઈ શકે.
સંવેદનશીલ વિસ્તારોમાં સતત મોનિટરિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ વાહનવ્યવહાર યથાશક્તિ ચાલુ રહે તે માટે તાત્કાલિક કામગીરી ચાલી રહી છે, જ્યારે વરસાદની સ્થિતિ સામાન્ય બન્યા બાદ કાયમી મરામત માટે જરૂરી અંદાજ તૈયાર કરી નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરાશે.
જિલ્લા વહીવટી તંત્રે નાગરિકોને અપીલ કરી છે કે ભારે વરસાદ દરમિયાન પાણી ફરી વળેલા માર્ગો, કોઝવે તથા નીચાણવાળા વિસ્તારોમાંથી પસાર થવાનું ટાળે અને તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે.
પંચાયત માર્ગ અને મકાન વિભાગ, ડાંગ-આહવા દ્વારા જણાવાયું છે કે જિલ્લાની જનતાની સુરક્ષા અને વાહનવ્યવહાર સુચારુ રહે તે માટે વિભાગ 24×7 સતત સેવારત છે.




