NAVSARINAVSARI CITY / TALUKO

ST/OBC ના ખોટા પ્રમાણપત્રથી નોકરી મેળવ્યાનો આક્ષેપ: AMC દ્વારા વિજીલન્સ સેલને તપાસ સોંપાઈ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડો. નિરવ પટેલની ફરિયાદ બાદ મુખ્યમંત્રી કાર્યાલયની દખલ; 30 દિવસમાં તપાસ પૂર્ણ કરી કાર્યવાહી કરવાની માંગ

ખોટા જાતિના (OBC/ST) પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરી મેળવી મૂળ આદિવાસી સમાજના હકો હડપ કર્યાનો ગંભીર આક્ષેપ સામે આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હરકતમાં આવ્યું છે. સમસ્ત આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ સમગ્ર મામલો હવે વિજીલન્સ સેલને સોંપવામાં આવ્યો છે.

સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો. નિરવભાઈ પટેલે સમાજના પ્રમુખ ડો. પ્રદીપભાઈ ગરાસિયા તથા આગેવાનોના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. રજૂઆતમાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના નવઘણ રેવાભાઈ સરસૈયાએ કથિત રીતે અનુસૂચિત જનજાતિ (ST)નું બોગસ પ્રમાણપત્ર રજૂ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી મેળવી સાચા આદિવાસી ઉમેદવારોના અધિકારો પર તરાપ મારી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

ફરિયાદને ગંભીરતાથી લઈને મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા સંબંધિત વિભાગને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. તેના અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી વિભાગે સમગ્ર કેસની તપાસ **”The Gujarat Scheduled Tribes (Regulation of Issuance and Verification of Caste Certificate) Rules, 2020″**ના નિયમ-9 હેઠળ વિજીલન્સ સેલને સોંપવામાં આવી હોવાનું ડો. નિરવ પટેલને લેખિતમાં જાણાવ્યું છે.

આ પછી ડો. નિરવ પટેલે AMCને વધુ એક રજૂઆત કરીને માંગ કરી છે કે વિજીલન્સ સેલ દ્વારા તપાસ વધુમાં વધુ 30 દિવસમાં પૂર્ણ કરીને અંતિમ અહેવાલ ગાંધીનગર સ્થિત વિભાગીય વિશ્લેષણ સમિતિને સોંપવામાં આવે. ઉપરાંત તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સંબંધિત કર્મચારીની સેવાઓ તાત્કાલિક સ્થગિત કરવામાં આવે અથવા તેમને મળતા નાણાકીય લાભો પર રોક લગાવવામાં આવે.

રજુઆતમાં વધુમાં જણાવાયું છે કે જો તપાસ દરમિયાન જાતિનું પ્રમાણપત્ર ખોટું સાબિત થાય તો અત્યાર સુધી ચૂકવાયેલો સરકારી પગાર સરકારની તિજોરીમાં પરત વસૂલવામાં આવે તેમજ માત્ર નોકરીમાંથી બરતરફી પૂરતી કાર્યવાહી ન કરીને સરકાર સાથે છેતરપિંડી અને આદિવાસી સમાજના હકો છીનવવાના ગુનામાં સંબંધિત વ્યક્તિ સામે તાત્કાલિક ફોજદારી ફરિયાદ (FIR) નોંધવામાં આવે.

આ સમગ્ર મામલે હવે વિજીલન્સ સેલની તપાસ અને તેના અહેવાલ પર સૌની નજર મંડાઈ છે. તપાસના અંતિમ પરિણામ બાદ જ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થશે અને આગળની કાનૂની તથા વિભાગીય કાર્યવાહી નક્કી થશે.

Back to top button
error: Content is protected !!