રાજ્યમાં હજુ આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે : હવામાન વિભાગ

ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે જામ્યું છે. બે દિવસથી મોટાભાગના જિલ્લામાં ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી નવીનતમ આગાહી અનુસાર રાજ્યમાં હજુ આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે એટલું જ નહીં પરંતુ અનેક વિસ્તારોમાં મેઘરાજા ભુક્કા બોલાવશે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ મનમુકીને વરસતા અનેક નદીઓમાં પુર આવ્યા છે. હજુ પણ આ વિસ્તારો માટે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. અમરેલી, સાવરકુંડલા, રાજુલામાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. રાજુલા–અમરેલી સહિત જિલ્લાના 5 સ્ટેટ હાઈવે બંધ થયા છે. ભારે વરસાદને લીધે વીજપડી-રાજુલા–ખાંભા રોડ બંધ થયા છે. રાજુલાના ભેરાઈ વિસ્તારમાં લોકોને શાળામાં સ્થળાંતર કરાયા છે.
ધોરાજીમાં ભારે વરસાદથી ભાદર-2 ડેમમાં નવા નીરની આવક થઇ છે. ડેમ 70% જેટલો ભરાઈ જતાં એલર્ટ આપવામાં આવ્યું છે. ડૂબમાં આવતાં લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે આદેશ કરાયો છે. રાજકોટ, પોરબંદર, જૂનાગઢના 35થી વધુ ગામમાં ખાસ એલર્ટ અપાયું છે. માધવપુરમાં સિઝનનો 15 ઈંચ વરસાદ ખાબક્યો છે. માધવપુરના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. દરિયામાં ભારે કરંટને પગલે માછીમારોએ બોટને કિનારે ખસેડી છે. વહીવટી તંત્રએ લોકોને પણ દરિયાની નજીક ન જવા સૂચના આપી છે.
મહુવા તાલુકાના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. ભારે વરસાદથી બુટિયો નદીમાં પાણીની આવકમાં વધારો થયો તેમજ ઠેર-ઠેર પાણી ભરાતા મહુવાના 15 ગામ સંપર્કવિહોણા થયા છે. વાઘનગર ગામને જોડતો મુખ્ય માર્ગ પણ બંધ થયો છે. રાજુલા તાલુકાના ભેરાઇ ગામ નજીક પાણી ઘૂસ્યા છે. ભારે વરસાદથી સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે. પાણી ઘૂસી જતાં 50થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે. ધારાસભ્ય હીરા સોંલકી ભેરાઇ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે.
વલસાડમાં ભારે વરસાદને લઈ પોલીસ તંત્ર સજ્જ થયુ છે. વરસાદ વચ્ચે દરિયો તોફાની બનતા પોલીસ એલર્ટ બની છે. 70 કિમી લાંબા દરિયા કિનારે પોલીસનું પેટ્રોલિંગ શરૂ કરાયુ છે. સ્થાનિક માછીમારો સાથે પોલીસે સંકલન કરી કોઈપણ શંકાસ્પદ હિલચાલ મુદ્દે જાણ કરવા અપીલ કરી છે.







