કાલોલ: નબળા બાંધકામના કારણે સરકારી આવાસો જોખમી, ડેરોલમાં ધાબું તૂટતાં યુવકનું મોત,થોડા દિવસમાં બીજો જીવ ગયો.

તારીખ ૦૬/૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકામાં જર્જરિત મકાનો અને આવાસો જાણે નિર્દોષ નાગરિકો માટે કાળમુખા સાબિત થઈ રહ્યા છે. કાલોલ તાલુકાના ડેરોલ ગામમાં એક જર્જરિત સરકારી આવાસનું ધાબું (સ્લેબ) અચાનક તૂટી પડતાં ૩૫ વર્ષીય યુવકનું કાટમાળ નીચે દબાઈ જવાથી કરુણ મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, હજુ થોડા દિવસ પહેલાં જ આ વિસ્તારમાં દિવાલ ધરાશાયી થવાને કારણે બળવંતભાઈ પરમાર નામના એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું, જે બાદ આ બીજી મોટી દુર્ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.મળતી માહિતી મુજબ, તા. ૦૪/૦૭/૨૦૨૬ ના રોજ સાંજના આશરે ૬:૦૦ વાગ્યાની આસપાસ ડેરોલ ગામના ‘મોટું ફળિયું’ ખાતે આ હૃદયદ્રાવક ઘટના બની હતી. ગામમાં રહેતા વિક્રમભાઈ શનાભાઈ પરમાર (ઉં.વ. ૩૫) તે સમયે પોતાના જર્જરિત સરકારી આવાસના મકાનમાં હાજર હતા. તે દરમિયાન અચાનક મકાનનો સ્લેબ કડાકાભેર તૂટી પડ્યો હતો. વિક્રમભાઈ કશું સમજે તે પહેલાં જ ધાબાના ભારેખમ કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે એક પછી એક બની રહેલી આ જીવલેણ ઘટનાઓને પગલે સ્થાનિક તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. ડેરોલ ગામની આ ઘટના બાદ સ્થાનિક તલાટી કમ મંત્રી દ્વારા તાત્કાલિક ધોરણે કાલોલના મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી (TDO) ને લેખિત અને મૌખિક જાણ કરવામાં આવી છે, આ ગંભીર દુર્ઘટના અંગે મૃતકના સંબંધી અર્જુનભાઈ પ્રવિણભાઈ પરમાર (ઉં.વ. ૪૬, ધંધો: ખેતી) દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર જાહેરાત આપવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને જોતાં કાલોલ પોલીસ દ્વારા બી.એન.એસ. કલમ ૧૯૪ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






