શહેરા વન વિભાગની મોટી કાર્યવાહી: ગેરકાયદેસર લાકડા ભરેલી બે ટ્રક સાથે રૂ. ૧૦ લાખનો મુદ્દામાલ ઝડપાયો

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા પરીક્ષેત્ર વન અધિકારી વી.જી.ગઢવીના માર્ગદર્શન હેઠળ ખાંડીયા રાઉન્ડ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન પેટ્રોલિંગ દરમિયાન વગર પાસ-પરવાનગીના ગેરકાયદેસર લીલા તાજા પંચરાઉ લાકડાની હેરાફેરી કરતી બે ટ્રકો ઝડપી પાડી કુલ રૂપિયા ૧૦ લાખનો મુદ્દામાલ શ્રીસરકાર હસ્તક જપ્ત કરવામાં આવ્યો છે.
વન વિભાગની ટીમે પેટ્રોલિંગ દરમિયાન દલવાડાથી કાકણપુર જતા રોડ પર ડેમલી ગામના પિકઅપ સ્ટેન્ડ નજીકથી વગર પાસ પરવાનગીથી લીલા તાજા પંચરાઉ લાકડા ભરીને પસાર થતી ટ્રક નંબર GJ 01UU 6091 ને અટકાવી હતી, જેમાં લાકડા અને વાહન સહિત અંદાજે રૂપિયા ૫,૨૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ જ પ્રકારે વન વિભાગે બીજી સફળ કાર્યવાહી ગોધરા-લુણાવાડા હાઈવે પર વાઘજીપુર ચોકડી નજીકથી કરી હતી, જ્યાંથી વગર પાસ-પરવાનગીએ લાકડાની વાહતુક કરતી ટ્રક નંબર GJ 16 V 4882 ને ઝડપી પાડી અંદાજે રૂપિયા ૪,૮૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ બંને સંયુક્ત કામગીરીમાં વન વિભાગ દ્વારા કુલ રૂપિયા ૧૦,૦૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી અર્થે તમામ મુદ્દામાલ શહેરા રેન્જ કમ્પાઉન્ડ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વન વિભાગની આ સફળ પેટ્રોલિંગ કામગીરીમાં ખાંડીયા રાઉન્ડના ફોરેસ્ટર આર. એસ. ચૌહાણ તથા ખાંડીયા બીટ ગાર્ડ જી. ટી. પરમાર સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.







