MORBI:મોરબી જિલ્લામાં દાડમની ખેતી માટે સરકારે ૬૧૮ બાગાયતદાર ખેડૂતોને રૂ. ૧૬૭.૯૨ લાખની પ્રોત્સાહક સહાય કરી




MORBI:મોરબી જિલ્લામાં દાડમની ખેતી માટે સરકારે ૬૧૮ બાગાયતદાર ખેડૂતોને રૂ. ૧૬૭.૯૨ લાખની પ્રોત્સાહક સહાય કરી

સરકારી સહાય અને વૈજ્ઞાનિક ખેતીનો અદભુત સમન્વય: ખેડૂતોએ દાડમનું વાવેતર કરી મેળવ્યો લાખોનો નફો
મોરબી જિલ્લામાં પરંપરાગત ખેતીની સરખામણીએ ઉચ્ચ મૂલ્ય ધરાવતા બાગાયતી પાકો તરફ ખેડૂતોનો ઝુકાવ નોંધપાત્ર રીતે વધ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા, બાગાયતી પાકોનો વ્યાપ વધારવા અને આધુનિક કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાના ઉમદા આશયથી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેના ભાગરૂપે મોરબીમાં સરકારના બાગાયત વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ઘનિષ્ઠ ખેતી પદ્ધતિથી ફળ પાકો (આંબા, જામફળ, દાડમ, લીંબુ) અંતર્ગત દાડમનું નવું વાવેતર કરનારા જિલ્લાના ૬૧૮ પ્રગતિશીલ ખેડૂતો માટે કુલ રૂ. ૧૬૭.૯૨ લાખની સહાય મંજૂર કરી મોટો આર્થિક સથવારો પૂરો પાડવામાં આવ્યો છે.

જિલ્લામાં બે અલગ-અલગ કલ્યાણકારી યોજનાઓ હેઠળ આ સહાયની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) ના માધ્યમથી સીધી જ લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. જેમાં પ્રથમ, HRT-૯ યોજના અંતર્ગત જિલ્લાના ૮૪૦.૨૯ હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં દાડમનું નવું વાવેતર કરનારા ૬૧૩ પ્રગતિશીલ ખેડૂતોને કુલ રૂ. ૧૬૨.૯૨ લાખની સહાય મંજૂર કરાઈ છે. જ્યારે દ્વિતીય, HRT-૧૩ યોજના હેઠળ ૫.૨૬ હેક્ટર વિસ્તારમાં દાડમની ખેતીની શરૂઆત કરનારા ૫ લાભાર્થી ખેડૂતોને કુલ રૂ. ૧.૯૨ લાખની સહાય ચૂકવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. સરકારના આ હકારાત્મક પીઠબળ અને સઘન માર્ગદર્શનને કારણે મોરબી જિલ્લામાં ખાસ કરીને હળવદ પંથકમાં બાગાયતી ક્રાંતિના નવા દ્વાર ખુલ્યા છે.

સરકારી સહાય અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિના સમન્વયથી સફળતા મેળવનારા ખેડૂત એવા હળવદ તાલુકાના સિરોઈ ગામના પ્રગતિશીલ બાગાયતદાર શ્રી મહિપાલસિંહ વનરાજસિંહ જાડેજાએ વર્ષ ૨૦૧૭-૧૮માં સરકારશ્રી ની HRT-૨ યોજના હેઠળ ૪ હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર કર્યું હતું, જેમાં તેમને રૂ. ૯૪,૫૬૪/- ની સહાય મળી હતી. આજે વર્ષ ૨૦૨૫-૨૬ની સ્થિતિએ તેઓ માત્ર રૂ. ૧૦ લાખના અંદાજિત ખર્ચ સામે રૂ. ૮૦ લાખની માતબર આવક મેળવીને વાર્ષિક રૂ. ૭૦ લાખનો માતબર ચોખ્ખો નફો કમાઈ રહ્યા છે.
હળવદના રાણેકપર ગામના ખેડૂત શ્રી પ્રકાશભાઈ પ્રવીણભાઈ સાવલિયાએ પણ ૩ હેક્ટર વિસ્તારમાં દાડમની ખેતી શરૂ કરી સરકાર તરફથી રૂ. ૭૬,૮૩૩/- ની સહાય મેળવી હતી. હાલ તેઓ વાર્ષિક રૂ. ૬ લાખના રોકાણ સામે રૂ. ૪૫ લાખની કુલ આવક મેળવીને રૂ. ૩૯ લાખનો નફો મેળવી રહ્યા છે.
આ બંને સફળ ખેડૂતોના જણાવ્યા અનુસાર, દાડમની વૈજ્ઞાનિક ખેતી, ટપક સિંચાઈ પદ્ધતિ, આયોજનબદ્ધ પોષણ અને સમયસર પાક સંરક્ષણ અપનાવવાથી પાકની ગુણવત્તા વૈશ્વિક સ્તરની બને છે, જે પરિવારને આર્થિક સમૃદ્ધિ તરફ દોરી જાય છે.

મોરબી જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રી વિ.એચ. નકુમ આ અંગે જણાવે છે કે, હળવદ અને તેની આસપાસની જમીન તથા આબોહવા દાડમની ઉત્કૃષ્ટ ખેતી માટે કુદરતી રીતે અત્યંત સાનુકૂળ છે. દાડમ એ ઉચ્ચ રોકડીયો અને મોંઘો બાગાયતી પાક હોવાથી તે લાંબા ગાળે ખેડૂતો માટે સચોટ નફાનો સ્રોત સાબિત થાય છે. તેમણે મોરબી જિલ્લાના તમામ ધરતીપુત્રોને પરંપરાગત પાકોની સાથે-સાથે બાગાયત વિભાગના ટેકનિકલ માર્ગદર્શન હેઠળ વૈજ્ઞાનિક ઢબે ફળ પાકોનું વાવેતર કરવા અને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ ઉઠાવવા અનુરોધ કર્યો છે.



