MORBI:મોરબીની સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓએ એસ.પી. કચેરીની મુલાકાત લીધી: ‘નેત્રમ’ પ્રોજેક્ટ અને પોલીસ કામગીરી વિશે મેળવ્યું જીવંત જ્ઞાન




MORBI:મોરબીની સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓએ એસ.પી. કચેરીની મુલાકાત લીધી: ‘નેત્રમ’ પ્રોજેક્ટ અને પોલીસ કામગીરી વિશે મેળવ્યું જીવંત જ્ઞાન


વિદ્યાર્થીઓમાં નાનપણથી જ કાયદો અને વ્યવસ્થા પ્રત્યે આદરભાવ કેળવાય અને તેઓ પોલીસની કામગીરીથી માહિતગાર થાય તેવા આશય સાથે મહેન્દ્રનગર સ્થિત સર્વોપરી સ્કૂલના ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત વિદ્યાર્થીઓએ મોરબી જિલ્લાની એસ.પી. (SP) કચેરીની રૂબરૂ મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને પોલીસ વિભાગની વિવિધ શાખાઓ, તેમની કામગીરી અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં તેમની જવાબદારીઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ મુલાકાતનું મુખ્ય આકર્ષણ સમગ્ર મોરબી જિલ્લાનું ડિજિટલ મોનિટરિંગ કરતો ‘નેત્રમ’ (સીસીટીવી કંટ્રોલ રૂમ) વિભાગ રહ્યો હતો. વિદ્યાર્થીઓએ નેત્રમ પ્રોજેક્ટની મુલાકાત લઈને આધુનિક કેમેરા કેવી રીતે કામ કરે છે અને તેના આધારે ઈ-ચલણ (e-challan) કેવી રીતે જનરેટ થાય છે તેની લાઈવ પ્રક્રિયા નિહાળી હતી, જેને જોઈને વિદ્યાર્થીઓ ભારે પ્રભાવિત થયા હતા.

મોરબી જિલ્લા પોલીસ વડા (SP) શ્રી મુકેશ સાહેબે વિદ્યાર્થીઓ સાથે ખાસ મુલાકાત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધીને પોલીસ વિભાગની દેશસેવાની કામગીરીથી પરિચિત કર્યા હતા. આ સાથે જ તેમણે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં દેશના જવાબદાર નાગરિક બનવા અને પોતપોતાના ક્ષેત્રમાં રહીને સાચી દેશભક્તિ દર્શાવવા માટે પ્રેરિત કર્યા હતા.
વિદ્યાર્થીઓને આટલો સુંદર અને જ્ઞાનવર્ધક અનુભવ કરાવવા બદલ સર્વોપરી સ્કૂલના આચાર્યશ્રીએ મોરબી એસ.પી. શ્રી મુકેશ સાહેબ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ મુલાકાતથી વિદ્યાર્થીઓમાં ખાખી વર્દી પ્રત્યેનું સન્માન અને દેશસેવાની ભાવના વધુ મજબૂત બની છે.



