MORBI:મોરબીમાં રોડની દુર્દશા મુદ્દે સ્થાનિક મહિલાઓનો ઉગ્ર આક્રોશ: વિરોધ પ્રદર્શન બાદ વોર્ડ નં. 12 ના કોર્પોરેટર ઘટના સ્થળે દોડી ગયા




MORBI:મોરબીમાં રોડની દુર્દશા મુદ્દે સ્થાનિક મહિલાઓનો ઉગ્ર આક્રોશ: વિરોધ પ્રદર્શન બાદ વોર્ડ નં. 12 ના કોર્પોરેટર ઘટના સ્થળે દોડી ગયા

મોરબીમાં વિરોધ કરો તો જ સુવિધા મળે કે .?

શહેરના વોર્ડ નંબર 12 માં આવેલી સોસાયટીઓમાં રોડ-રસ્તાની બિસ્માર હાલતને લઈને સ્થાનિક રહીશો, ખાસ કરીને મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પટેલનગર અને ખોડિયાર પાર્ક સોસાયટીની મહિલાઓએ રોડની દુર્દશા મુદ્દે આજે વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પણ પહોંચી હતી. મહિલાઓના આ ઉગ્ર મિજાજ અને વિરોધની જાણ થતાં જ વોર્ડ નંબર 12 ના કોર્પોરેટ (રિસીપભાઈ. કૈલા) તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
ઘટનાસ્થળે પહોંચેલા કોર્પોરેટરને સ્થાનિક મહિલાઓએ ઘેરાવ કરીને કડક શબ્દોમાં ખરી-ખરી સંભળાવી હતી. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “ચૂંટણી સમયે માત્ર બે મહિના પહેલા જ મતો માગવા આવ્યા ત્યારે રોડ બનાવવાનો વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ આજે રોડની સ્થિતિ એટલી ખરાબ છે કે અનેક મહિલાઓ અને વાહનચાલકો અકસ્માતનો ભોગ બનીને અવારનવાર પડી જાય છે. ચોમાસું નજીક છે ત્યારે આવી પરિસ્થિતિ બિલકુલ સાંખી લેવાશે નહીં.”વિરોધને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રોડ રિપેરિંગ (પેચવર્ક) કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક રહીશોએ આ કામગીરી અટકાવીને સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી છે કે, “અમને આવું મોઘમ રિપેરિંગ મંજૂર નથી, આખા રોડનું નવેસરથી નવું જ નિર્માણ કરવામાં આવે.”

સ્થાનિકોની ઉગ્ર રજૂઆતો સાંભળ્યા બાદ કોર્પોરેટર રિસીપભાઈ કૈલાએ લોકોની વચ્ચે સ્વીકાર્યું હતું કે, પટેલનગર, ખોડિયાર પાર્ક અને ન્યુ આલક સોસાયટીના મુખ્ય માર્ગોની સ્થિતિ ખરાબ છે. તેમણે જણાવ્યું કે, સરકારની સ્કીમ અંતર્ગત રોડ બનાવવા માટેનું એસ્ટીમેટ તૈયાર કરવા નગરપાલિકાને આજે જ સૂચના આપી દેવામાં આવી છે.
વધુમાં તેમણે ખાતરી આપતા જણાવ્યું કે, “આ વિસ્તારમાં સામાન્ય વર્ગના લોકો વસવાટ કરે છે, તેથી સરકારના નિયમ મુજબ લોકભાગીદારીના ૨૦% પૈસાનો બોજ જનતા પર નહીં પડવા દઈએ. અમે ચારેય કોર્પોરેટરો પોતાની ગ્રાન્ટમાંથી આ ૨૦% રકમ ભરીને વહીવટી અને સૈદ્ધાંતિક મંજૂરીઓ વહેલી તકે મેળવી લઈશું. આગામી ૧ થી ૨ મહિનાની અંદર જ આ નવો રોડ મંજૂર કરાવીને તેની કામગીરી શરૂ થાય તે માટે અમે સતત ફોલોઅપ લઈશું.”હાલમાં કોર્પોરેટરની આ ખાતરી બાદ મામલો થાળે પડ્યો છે, પરંતુ સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો વહેલી તકે નવો રોડ બનાવવાનું કામ શરૂ નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે.





