HALOLPANCHMAHAL

હાલોલ:અગ્નિવીરની તાલીમ પૂર્ણ કરી વતન પરત ફરેલા યુવાનનું હાલોલમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૮.૭.૨૦૨૬

હાલોલમાં તા.6 જુલાઈ સોમવારના રોજ દેશભક્તિ અને ગૌરવનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. હાલોલના વાવડી ગામના એક આશાસ્પદ યુવાને ભારતીય સેનામાં ‘અગ્નિવીર’ તરીકેની પોતાની 6 મહિનાની કપરી તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તાલીમ પૂરી કરીને પોતાના વતન પરત ફરતા જ સમગ્ર ગ્રામજનો અને હાલોલ શહેરમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું અને તેમનું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું.યુવાનના સ્વાગત અર્થે હાલોલના જ્યોતિ સર્કલથી એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં સ્થાનિક યુવાનો અને ગ્રામજનો પોતાના બાઈક સાથે રેલી સ્વરૂપે જોડાયા હતા. સમગ્ર રૂટ દરમિયાન ‘ભારત માતા કી જય’ અને દેશભક્તિના ગગનભેદી નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.આ ભવ્ય રેલી દરમિયાન ‘યોદ્ધા ફિઝિકલ એકેડમી’ ખાતે એકેડમી ના કોચ જયદીપ પરમાર ધ્વારા યુવાનનું રાષ્ટ્રધ્વજ સાથે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, માર્ગમાં આવતી વિવિધ શાળાઓના નાના-મોટા વિદ્યાર્થીઓએ અગ્નિવીર યુવાન પર ફૂલવર્ષા કરીને વંદન કર્યા હતા અને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.જ્યારે હાલોલની કલરવ શાળા ખાતે પણ સંદીપ બારિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ જેમા સંદીપ બારિયા કલરવ શાળામાં અભ્યાસ કરતો હતો જેથી શાળા પરિવાર માટે ગૌરવની ક્ષણ હતી જેમાં શાળાના આચાર્ય ડૉ.કલ્પનાબેન જોષીપુરા અને ટ્રસ્ટી હાર્દિકભાઈ જોષીપુરાએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે સંદીપ બારિયાની આ સિધ્ધિ શાળાના વર્તમાન વિધાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે જેથી શાળા પરિવાર ધ્વારા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે આ વીર યુવાન પોતાના વતન વાવડી ગામમાં પહોંચ્યો, ત્યારે પરિવારજનોની આંખોમાં હરખના આંસુ હતા. માતા-પિતા અને ગ્રામજનોએ આરતી ઉતારી, કુમકુમ તિલક કરી ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું. ગામમાં જાણે કોઈ મોટો ઉત્સવ હોય તેવો આનંદનો માહોલ સર્જાયો હતો.આ નાની ઉંમરે દેશસેવા કાજે અગ્નિવીર બનેલા આ યુવાનની સિદ્ધિ માત્ર વાવડી ગામ માટે જ નહીં, પણ સમગ્ર પંચમહાલ પંથક માટે પ્રેરણારૂપ બની છે. આ પ્રસંગે આસપાસના વિસ્તારના અન્ય યુવાનોમાં પણ દેશસેવા પ્રત્યે એક નવી ઉર્જા અને જોશ જોવા મળ્યો હતો.

Back to top button
error: Content is protected !!