AHAVANAVSARINAVSARI CITY / TALUKO

નવસારીમાં મેઘતાંડવ બાદ પૂર જેવી સ્થિતિ: મેયર, ધારાસભ્ય અને કમિશનર ગ્રાઉન્ડ ઝીરો પર, રાહત-સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી જિલ્લામાં ગત રોજ પડેલા આશરે 15.28 ઇંચના ધોધમાર વરસાદે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા હતા. અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા જનજીવન ખોરવાઈ ગયું હતું. જોકે વરસાદે વિરામ લેતા જ નવસારી મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે. બુધવારે સવારથી જ શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં ગ્રાઉન્ડ ઝીરો મુલાકાત કરીને પરિસ્થિતિની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

આ સંયુક્ત નિરીક્ષણમાં નવસારીના મેયર અશોક ધોરાજીયા, ધારાસભ્ય રાકેશ દેસાઈ, સ્થાયી સમિતિના ચેરમેન મુકેશ અગ્રવાલતેમજ મહાનગરપાલિકાના કમિશનર જયેશ ઉપાધ્યાય (IAS) સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. ટીમે શહેરના વિવિધ વોર્ડમાં આવેલા પૂરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ સ્થાનિક નાગરિકોની સમસ્યાઓ સાંભળી અને સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપી હતી.

મુલાકાત દરમિયાન વોર્ડ નં. 2ના બંદર રોડ અને રાયચંદ રોડ, વોર્ડ નં. 3ના શાંતાદેવી વિસ્તાર અને આવાસ યોજના, વોર્ડ નં. 4ના કાશીવાડી, રિંગ રોડ, નવીનનગર, રંગૂનનગર, ગધેવાન, કરિશ્મા ગાર્ડન અને યશફીન હોસ્પિટલ પાછળનો વિસ્તાર, વોર્ડ નં. 5ના રામલામોરા અને કાછિયાવાળી, વોર્ડ નં. 6ના જુનાથાણા ખાડા વિસ્તાર અને સી.આર. પાટીલ સંકુલ, વોર્ડ નં. 13ના બાલાપીર દરગાહ, રેલ રાહત કોલોની, દશેરા ટેકરી અને રામજી ખત્રી નાળ તેમજ વોર્ડ નં. 7ના દુધીયા તળાવ શોપિંગ સેન્ટર પાછળના વિસ્તારોની વિશેષ સમીક્ષા કરવામાં આવી હતી.

સ્થળ મુલાકાત દરમિયાન કમિશનર જયેશ ઉપાધ્યાયે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) વિભાગને તાત્કાલિક સફાઈ કામગીરી શરૂ કરવા, જંતુનાશક દવાનો છંટકાવ કરવા તેમજ ફોગિંગ કરવાની કડક સૂચનાઓ આપી હતી, જેથી પાણી ઓસર્યા બાદ રોગચાળો ફેલાવાની શક્યતા અટકાવી શકાય.

આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત હજુ પણ પાણી ભરાયેલા વિસ્તારોમાં અસરગ્રસ્ત નાગરિકોને તાત્કાલિક રાહત પહોંચાડવા માટે રામજી મંદિર ખાતે યુદ્ધના ધોરણે આશરે 3,000 ફૂડ પેકેટ તૈયાર કરી તેનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ઉપરાંત પદાધિકારીઓએ ટાટા સ્કૂલ ખાતે ઉભા કરાયેલા રાહત શેલ્ટરની પણ મુલાકાત લઈ ત્યાં રહેતા લોકોને ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરી હતી.

મહાનગરપાલિકા દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં શુદ્ધ પીવાના પાણીના ટેન્કરો મોકલવામાં આવી રહ્યા છે. સાથે આરોગ્ય વિભાગ દ્વારા મોબાઇલ મેડિકલ ટીમો અને મેડિકલ કેમ્પ મારફતે તાત્કાલિક સારવાર તથા જરૂરી દવાઓની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. નવસારી મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને શક્ય તેટલી ઝડપથી સામાન્ય સ્થિતિમાં પરત લાવવા માટે તમામ વિભાગો સંકલિત રીતે કામગીરી કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!