AHAVADANG

ડાંગ જિલ્લામાં મંગળવારે રાત્રીનાં અરસાથી બુધવાર સવાર સુધીમાં અનરાધાર વરસાદ પડતા ઠેરઠેર ખાના ખરાબી..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદનાં પગલે 29 જેટલા નીચાણવાળા કોઝવેકમ પુલો પાણીમાં ગરક થઈ જતા 50થી વધુ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા.

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન,સાકરપાતળ,વઘઇ,પીંપરી,કાલીબેલ,ભેંસકાતરી,ઝાવડા,આહવા,બરડીપાડા,મહાલ,સુબિર, સિંગાણા, લવચાલી, પીપલાઈદેવી,પીપલદહાડ, ગારખડી, ચીંચલી, બોરખલ, ગલકુંડ સહીત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં મંગળવારે સાંજનાં 6 વાગ્યાથી બુધવારે સવાર સુધી અનરાધાર વરસાદ પડતા લોકમાતાઓમાં અંબિકા,પૂર્ણાં, ગીરા અને ખાપરીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતુ. ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદનાં પગલે નદી,નાળા, વહેળા, કોતરડા ગાંડાતુર બનતા નીચાણવાળા 29 જેટલા કોઝવેકમ પુલો ઊંડા પાણીમાં ગરક થઈ જતા મંગળવારે સવાર સુધીમાં 50 જેટલા ગામડાઓ જિલ્લાનાં વહીવટી મથકથી સંપર્કવિહોણા બન્યા હતા.સાથે આ વરસાદની તારાજીનાં પગલે અનેક જગ્યાએ માટીનો મલબો અને પથ્થરો ,વૃક્ષો અને ભેખડો માર્ગ પર ધસી પડ્યા હતા.જેને પગલે માર્ગો જોખમી બન્યા હતા.તથા ભારે વરસાદનાં પગલે અનેક જગ્યાએ નાળા અને કોઝવેકમ પુલોનાં એપ્રોચમાં ગાબડા પાડી ભારે નુકસાન પોહચાડ્યું છે.ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદનાં પગલે જનજીવન સહીત પશુપાલન, ડેરી વ્યવસાય પ્રભાવિત થયો હતો.અનરાધાર વરસાદનાં પગલે બુધવારે ડાંગ જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરાઈ હતી.જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, નદી-નાળા, નીચાણવાળા વિસ્તારો તથા જળભરાવવાળા સ્થળોથી દૂર રહેવા તેમજ ગાજવીજ દરમિયાન ખુલ્લા સ્થળે આશરો ન લેવા અપીલ કરવામાં આવે છે. તો ખેડૂતોને પણ પશુધનને સુરક્ષિત સ્થળે રાખવા તથા જરૂરી સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.જિલ્લા વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને તમામ સંબંધિત વિભાગોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.આ દરમિયાન ડાંગ જિલ્લામાંથી પસાર થતા એકમાત્ર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર : ૯૫૩ ઉપર (શામગહાન- માલેગામ-સાપુતારા રોડ) સાપુતારા થી 500 મીટર નીચે, ગણેશ મંદિર પાસે રોડ પર કાળમીંઢ ખડકો સાથે ભેખડ ઘસી આવતા વિભાગના લાશ્કરોએ તેને વરસતા વરસાદમાં તાત્કાલિક દૂર કરી, વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો.તો બીજી તરફ બારીપાડાથી સુરગાણા મહારાષ્ટ્રને જોડતો રાજય ધોરીમાર્ગનાં માનમોડી ગામ નજીક જુના પુલનાં એપ્રોચમાં વ્યાપક ધોવાણ થતા આ માર્ગ વાહનવ્યવહાર માટે પ્રભાવિત થયો છે.અંબિકા નદીનો ભયાનક પુર આ જુના બ્રિજની સાઈડ એપ્રોચ ઘસડી જતા વાહનવ્યવહાર થંભી ગયો હતો .  જ્યારે ગલકુંડનો કાંચન ઘાટ રોડ ઉપર પણ મલબો ધસી પડતાં પંચાયત માર્ગ અને મકાન વિભાગે તેને તાત્કાલિક ઘોરણે દુર કરી વહાન વ્યવહાર માટે માર્ગ ખુલ્લો કર્યો હતો.

ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ સતત મોનિટરિંગ કરીને રસ્તાઓ પરથી ધરાશાયી થયેલાં ઝાડ અને ઝાખરાં દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ પુરવઠો સતત જળવાઈ રહે તે માટે ખડેપગે કામગીરી કરાઈ રહી છે. જિલ્લાના તમામ ગામોમાં વીજ પુરવઠો કાર્યરત છે. ભારે વરસાદ અને પવનના કારણે જિલ્લામાં કુલ 72 વીજપોલને નુકસાન થયું છે, જેને દુરસ્ત કરવાની કામગીરી ચાલુ છે. જ્યારે પશુપાલન વિભાગના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 2 પશુઓનાં મૃત્યુ નોંધાયા છે, જે અંગે નિયમાનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિ વચ્ચે ડાંગ જિલ્લામાં 29 ગ્રામીણ માર્ગો પણ વાહનવ્યવહાર માટે બંધ કરી, તંત્રે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરી છે.જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક નીચાણવાળા કોઝવે, માઈનોર બ્રિજ અને માર્ગો પર પાણી ફરી વળતાં તા. 8મી જુલાઈ, 2026ના રોજ સવારે 8:00 કલાકની સ્થિતિ મુજબ જિલ્લાના કુલ 29 માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા.પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ 29 માર્ગો કોઝવે અને પુલ ઉપર પાણી ફરી વળવાના (ઓવરટોપિંગ) કારણે બંધ કરવામાં આવ્યા છે. જેમાં વઘઈ તાલુકાના 19 માર્ગો જે  1. માછળી ચીખલા દિવડયાવન રોડ, 2. ઘોડવહળ વી.એ. રોડ, 3. આહેરડી બોરદહાડ રોડ, 4. માનમોડી બોડારમાળ નિમ્બારપાડા રોડ, 5. ધાંગડી કાનાત ફળિયા રોડ, 6. સુસરદા વી.એ. રોડ, 7. મોટીદાબદર લહાનદાબદર નાનાપાડા રોડ, 8. દગુનીયા વી.એ. રોડ, 9. આહેરડી નડગચોંડ રોડ, 10. ચિખલદા વી.એ. રોડ,11. ભદરપાડા ચિચોંડ રોડ, 12. કાંચનપાડા થી સુરગાણા રોડ,13. બાજ મેઇન રોડ ટૂ મલિન રોડ, 14. ગોદડીયા ટુ પાંડરમાળ રોડ,15. કાલીબેલ પાંડરમાળ વાંકન રોડ, 16. ભેંસકાતરી કાકરદા ભોંગડીયા એન્જીપાડા રોડ, 17. ભેંસકાતરી મેઇન રોડ ટુ આસરીયા ફળિયા રોડ (જુનો રોડ), 18. વાંઝટઆંબા કોયલીપાડા રોડ,19. મેઇન રોડ ટુ આંબાપાડા ચિંચપાડા ઉંગા રોડ, જ્યારે આહવા તાલુકાના કુલ 8 રસ્તાઓ બંધ થયા છે જેમાં 1. બારીપાડા ચિરાપાડા રોડ, 2.રાનપાડા ભાપખલ બારીપાડા રોડ, 3. ચિકટીયા ગાઢવી રોડ, 4. ભવાનદગડ ધુળચોંડ, 5.આંમસરવળન રોડ, 6.જાખાના કોટબદર રોડ, 7.ગલકુંડ પાયરપાડા જામદર રોડ, 8. શામગહાન ભુરાપાણી ચિરાપાડા રોડ, અને સુબીર તાલુકાના બે માર્ગો જેમાં 1. કાકડવિહિર ખેરિન્દ્રા ચમારપાડા રોડ, 2. હીદળા થી ધુડા રોડ, જે ઓવરટોપિંગના કારણે બંધ થવા પામ્યા છે.જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોને અનુરોધ કર્યો છે કે વરસાદી પરિસ્થિતિમાં પાણી ભરાયેલા કોઝવે, નાળા અથવા બંધ જાહેર કરાયેલા માર્ગો પરથી પસાર થવાનો પ્રયાસ ન કરે તથા મુસાફરી પહેલાં માર્ગોની સ્થિતિ અંગે માહિતી મેળવીને જ પ્રવાસ કરે. જરૂરિયાત સિવાયની મુસાફરી ટાળવા તેમજ તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા પણ અપીલ કરવામાં આવી છે. આ માર્ગો પર પાણીનું સ્તર ઘટતાં અને પરિસ્થિતિ સામાન્ય બનતાં તબક્કાવાર વાહનવ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવશે.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સુબિર પંથકમાં 71 મિમી અર્થાત 2.84 ઈંચ, વઘઇ પંથકમાં 85 મિમી અર્થાત 3.4 ઈંચ,આહવા પંથકમાં 172 મિમી અર્થાત 6.88 ઈંચ, જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 244 મિમી અર્થાત 9.76 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો..

Back to top button
error: Content is protected !!