
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૦૮ જુલાઈ : રાજ્ય સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત મુન્દ્રામાં વધુ એક સફળ સારવાર નોંધાઈ છે. સમયસર સ્ક્રીનિંગ અને યોગ્ય રીફરલથી જન્મજાત હૃદયની ખામી ધરાવતા 9 વર્ષના બાળકનું અમદાવાદ ખાતે સફળ ઓપરેશન થતાં તેને નવું જીવન મળ્યું છે.શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત RBSK ટીમ મુન્દ્રા દ્વારા શહેરની આર.ડી. પ્રાથમિક શાળામાં કરાયેલા 4D સ્ક્રીનિંગ દરમિયાન ધો.૩ના ૯ વર્ષના પરબત વેરશી રબારીને જન્મજાત હૃદયની ખામી – Congenital Heart Disease CHD હોવાનું નિદાન થયું હતું.નિદાન બાદ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ મારફતે દરખાસ્ત મોકલી બાળકને વધુ તપાસ અને સારવાર માટે યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલના નિષ્ણાત સર્જનો દ્વારા બાળકનું સફળ હૃદયનું ઓપરેશન તથા સમગ્ર સારવાર સરકારની નિઃશુલ્ક યોજના હેઠળ કરવામાં આવી હતી.ઓપરેશન બાદ UPHC મુન્દ્રા અને RBSK ટીમ મુન્દ્રાએ બાળકના ઘરે જઈ ફોલો-અપ મુલાકાત પણ લીધી હતી. હાલ આ બાળક સંપૂર્ણ સ્વસ્થતા સાથે સામાન્ય જીવન જીવી રહ્યો છે અને નિયમિત શાળાએ પણ જઈ રહ્યો છે.આ સમગ્ર પ્રક્રિયામાં RBSK ટીમ મુન્દ્રાના ડૉ. યોગી, ડૉ. અવની, FHW મનીષાબેન અને ફાર્માસિસ્ટ અકાંક્ષાબેને સમયસર સ્ક્રીનિંગ, માર્ગદર્શન, રીફરલ અને સતત ફોલો-અપની જવાબદારી નિભાવી હતી.જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી મિતેશ ભંડેરીએએ જણાવ્યું હતું કે, સમયસર સ્ક્રીનિંગ, યોગ્ય રીફરલ, નિઃશુલ્ક સારવાર અને સત ફોલો-અપના કારણે બાળકને નવું જીવન પ્રાપ્ત થયું છે. આ સફળતા રાજ્ય સરકારની અસરકારક કામગીરી અને આરોગ્ય વિભાગની લોકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પહોંચાડવાની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે.




