GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

રાજ્યમાં ‘ભારે’ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 425 રસ્તાઓ બંધ, 11 ડેમ હાઈ-એલર્ટ પર !!!

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. રાજ્યના કંટ્રોલ રૂમના 8 જુલાઈ સાંજના 5 વાગ્યા સુધીના અહેવાલ મુજબ, ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 222.10 મિ.મી. વરસાદ નોંધાયો છે. સુરતમાં જળબંબાકરની સ્થિતિથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. સુરત સહિતના વિસ્તારોમાં મેઘતાંડવની પરિસ્થિતિમાં જનજીવન પ્રભાવિત થયું છે, ત્યારે પૂર વચ્ચે 7,500 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. વાહનવ્યવહારની વાત કરીએ તો, પંચાયત હસ્તકના 403 રસ્તાઓ અને 15 સ્ટેટ હાઈવે સહિત કુલ 425 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવા પડ્યા છે. બીજી તરફ, રાજ્યમાં અતિભારે વરસાદને પગલે નર્મદા ડેમ 65% ભરાયો છે, જ્યારે 11 ડેમ હાઈ-એલર્ટ પર છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 28 જિલ્લાના 195 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરતના પલસાણા 18 ઇંચથી વધુ વરસાદ ખાબતા જળમગ્નની સ્થિતિ જોવા મળી છે. તેમજ સુરતના કામરેજમાં 17.40 ઇંચ, નવસારીમાં 15.28 ઇંચ, સુરત શહેરમાં 14.09 ઇંચ અને વલસાડના કપરાડામાં 12.68 ઇંચ વરસાદ ખાબકતાં ચારેય તરફ પાણી જ પાણી ભરાઈ ગયા છે. આજે(8 જુલાઈ) સવારે 6 થી સાંજના 4 વાગ્યા સુધીમાં પણ વલસાડના નાનાપોંઢામાં 1.5 ઇંચ અને કપરાડામાં 1.34 ઇંચ વરસાદ નોંધાયો છે.

અતિભારે વરસાદને પગલે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની જોરદાર આવક થઈ રહી છે. હાલમાં નર્મદા ડેમમાં 2,18,951 MCFT(મિલિયન ક્યુબિક ફીટ) પાણીનો સંગ્રહ થયો છે, જે તેની કુલ ક્ષમતાના 65.54% છે.

બીજી તરફ, રાજ્યના અન્ય 206 જળાશયોમાં 41.17% પાણીની આવક થઈ છે. તેમાંથી 5 ડેમ સંપૂર્ણ 100% ભરાઈ ચૂક્યા છે, જ્યારે 20 ડેમ 70% થી 100%ની વચ્ચે ભરાયા છે. ભારે પાણીની આવકના કારણે અમરેલીના ધાતરવડી અને સુરજવાડી, ભાવનગરના માલણ અને શેત્રુંજી તેમજ તાપીના દોસવાડા સહિત 11 ડેમોને ‘હાઈ-એલર્ટ’ પર છે. આ ઉપરાંત, 3 ડેમ એલર્ટ પર અને 11 ડેમ માટે વોર્નિંગ જાહેર કરાઈ છે.

દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં મૂછળધાર વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં સુરત જિલ્લામાંથી સૌથી વધુ 3,881 લોકો અને નવસારીમાંથી 2,113 લોકો સહિત રાજ્યભરમાંથી કુલ 7,522 નાગરિકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે. છે. આ ઉપરાંત, NDRF અને SDRFની ટીમોએ પૂરના પાણીમાં ફસાયેલા 3,711 લોકોનું સફળ રેસ્ક્યુ કર્યું છે. હાલમાં સુરતમાં સૌથી વધુ 2 NDRF અને 5 SDRFની ટીમો તૈનાત છે.

વાહનવ્યવહારની વાત કરીએ તો, પંચાયત હસ્તકના 403 રસ્તાઓ અને 15 સ્ટેટ હાઈવે સહિત કુલ 425 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવા પડ્યા છે. એસટી બસ (GSRTC)ની 266 ટ્રીપો રદ કરવામાં આવી છે. વીજ કંપની GUVNLના જણાવ્યા મુજબ, અસંખ્ય વીજપોલ અને ટ્રાન્સફોર્મરને નુકસાન થતાં 240 ફીડરો હજુ પણ બંધ છે, જેને સરખા કરવાની કામગીરી શરૂ છે.

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દરિયામાં ઊંચા મોજા અને ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને 8 જુલાઈથી 12 જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટે કડક ચેતવણી આપવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!