ભૌતિકતાની ભીડમાં ખોવાતું માણસાઈનું સરનામું…!!! – લેખક અમિત ત્રિવેદી




ભૌતિકતાની ભીડમાં ખોવાતું માણસાઈનું સરનામું…!!! – લેખક અમિત ત્રિવેદી

આજે સવારે જ્યારે સૂરજ ઊગે છે, ત્યારે તે કિરણોની સાથે એક નવી આશા લાવવાને બદલે દોડવાની એક નવી શરત લઈને આવે છે. આપણે બધા એક એવી અદ્રશ્ય સફરના મુસાફર બની ગયા છીએ, જ્યાં મંજિલ ક્યાં છે એ કોઈને ખબર નથી, પણ બસ બધાને એકબીજાથી આગળ નીકળી જવું છે. વૈભવના ઊંચા મહેલો અને ગાડીઓના હોર્નના ઘોંઘાટ વચ્ચે, હૃદયનો એક ખૂણો અસહ્ય શાંતિ અને એકલતાથી રડી રહ્યો છે. આપણી તિજોરીઓ ભલે છલકાઈ ગઈ હોય, પણ આત્મા સાવ કંગાળ થઈ ગયો છે.
“હાથમાં મોંઘા સ્માર્ટફોન તો આવી ગયા, પણ જેમની સાથે દિલ ખોલીને વાત કરી શકાય એવા સંબંધો ક્યાંક ખોવાઈ ગયા.”
જે ઘરોમાં ક્યારેક વહેલી સવારે વડીલોના ભજન અને બાળકોના કિલ્લોલથી ગુંજતી મોકળાશ હતી, ત્યાં આજે માત્ર દિવાલો છે, પરિવારો નથી. પૈસાની ચમકે આપણી આંખો અંજી દીધી છે, પરિણામે આપણને સામેની વ્યક્તિની લાગણીઓ દેખાતી બંધ થઈ ગઈ છે. આજે કોઈને નમવું નથી, કોઈને જતું કરવું નથી.

માત્ર પોતાની જાતને શ્રેષ્ઠ સાબિત કરવાની જીદમાં આપણે રોજ આપણા જ લોહીના સંબંધોની આહુતિ આપી રહ્યા છીએ. પ્રેમની જગ્યા હવે અપેક્ષાઓના કરારનામાએ લઈ લીધી છે. જો સામેવાળી વ્યક્તિ આપણી અપેક્ષા પર ખરી ન ઉતરે, તો આપણે વર્ષોના સંબંધને એક પળમાં તોડી નાખતા અચકાતા નથી.
સૌથી મોટો ઘા આપણા પરિવારોમાં ‘જનરેશન ગેપ’ એટલે કે બે પેઢીઓ વચ્ચેના અંતરે કર્યો છે. આ અંતર હવે માત્ર વિચારો પૂરતું નથી રહ્યું, પણ તે હૃદયનું અંતર બની ગયું છે.
વડીલોની વેદના એવી હોય છે જેમણે આખું આયખું પરિવારને સીંચવામાં વિતાવી દીધું, આજે એ જ વડીલો પોતાના જ ઘરમાં એક ખૂણામાં બેસીને પોતાના અસ્તિત્વની ભીખ માંગી રહ્યા હોય તેવો અનુભવ કરે છે. તેમને પૈસા નહીં, પણ માત્ર બે મિનિટનો આદર અને પ્રેમ જોઈએ છે.
જ્યારે યુવાનોની વિડમણા અલગ હોય છે. નવી પેઢી એક અજીબ ગૂંગળામણ જીવી રહી છે. તેમને સપના પૂરા કરવા છે, પણ સાથે જ પરંપરાઓના બંધનો અને અપેક્ષાઓનો બોજ તેમને કચડી રહ્યો છે. “અમે કહીએ એ જ સાચું” ની જીદ વડીલો અને યુવાનો વચ્ચે ચાઇના વોલ જેવી અભેદ દીવાલ ઊભી કરી દે છે.
આજના યુવાનોની સ્થિતિ એ કાચના ઘર જેવી છે, જે બહારથી સુંદર દેખાય છે પણ અંદરથી ગમે ત્યારે તૂટી જવાના ડરથી ધ્રૂજે છે. કરિયર, ટકાવારી, સ્ટેટસ અને સોશિયલ મીડિયા પર ‘લાઈક્સ’ મેળવવાની આંધળી દોટમાં તેઓ પોતાની નિર્દોષતા ગુમાવી ચૂક્યા છે.
રાત-દિવસ એક કરીને, ઊંઘ વેચીને અને લોહીનું પાણી કરીને પણ જ્યારે તેઓ સમાજના માપદંડો પર ખરા નથી ઉતરતા, ત્યારે તેઓ અંદરથી ભાંગી પડે છે. આ ભીડમાં તેઓ એટલા એકલા છે કે પોતાનું દુઃખ રોઈ શકે એવું ખભું પણ તેમની પાસે નથી. જિંદગી જીવવાનો જે અસલી આનંદ હતો, તેને સફળતા નામના રાક્ષસે ગળી લીધો છે.
આજે દરેક ઉંમરની વ્યક્તિ આંખોમાં કોઈને કોઈ આંસુ છુપાવીને ફરી રહી છે. કોઈને વેપારની ચિંતા છે, કોઈને ભવિષ્યનો ડર છે, તો કોઈ પોતાના જ ઘરના સભ્યોથી અજાણ્યા થઈને જીવી રહ્યું છે.
અહીં એક ક્ષણ રોકાઈને વિચારવા જેવો પ્રશ્ન એ છે કે:
જે સફળતાના શિખરે પહોંચવા માટે આપણે આપણા માતા-પિતા, ભાઈ-બહેન કે જીવનસાથીનો સાથ છોડી દીધો, એ શિખર પર પહોંચ્યા પછી જ્યારે પાછળ ફરીને જોઈશું ત્યારે ત્યાં તાળી પાડવા વાળું પણ કોઈ બચ્યું નહીં હોય, તો એ જીતની ઉજવણી કોની સાથે કરીશું? શું એ પથ્થરની સફળતા આપણને સુખ આપી શકશે?
હવે સમય આવી ગયો છે કે આપણે આ આંધળી રેસમાં બ્રેક લગાવીએ. જિંદગી કોઈ સ્પર્ધા નથી જેને જીતવી જ પડે, જિંદગી તો એક ઉત્સવ છે જેને વહેંચીને માણવાનો હોય છે.
ચાલો, થોડું જતું કરવાની ભાવના કેળવીએ. વડીલોના ચહેરા પરની કરચલીઓમાં છુપાયેલા અનુભવના અમૃતને સમજીએ. યુવાનોની પાંખોને કાપવાને બદલે તેમને વિશ્વાસનું આકાશ આપીએ.
ભૌતિક સાધનો શરીરને આરામ આપી શકે, પણ આત્માનો સંતોષ તો પરિવારના સભ્યો સાથે બેસીને ખાધેલી અડધી રોટલી અને ખડખડાટ હાસ્યમાં જ મળે છે. દુનિયા જીતવાની જીદમાં ક્યાંક આપણું પોતાનું ‘ઘર’ અને ‘માણસાઈ’ ન હારી જવાય, એ જ આજના સમયની સૌથી મોટી ચેતવણી છે.




