વલસાડ સિવિલ હોસ્પિટલમાં એક્સ-રે અને સોનોગ્રાફી માટે દર્દીઓની લાંબી કતારો: વધુ મશીનો મંજૂર કરવા મુકેશ પટેલની રજૂઆત
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગરીબ દર્દીઓને ખાનગી લેબમાં મોંઘા ટેસ્ટ કરાવવાની ફરજ, વધારાના મશીનો મંજૂર કરવા સામાજિક આગેવાન મુકેશ પટેલની સરકાર સમક્ષ માંગ
વલસાડ સિવિલ હોસ્પિટલમાં દરરોજ વલસાડ ઉપરાંત ડાંગ, નવસારી અને મહારાષ્ટ્ર સરહદી વિસ્તારોમાંથી હજારો ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓ સારવાર માટે આવે છે. હોસ્પિટલના ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવા સતત પ્રયત્નશીલ હોવા છતાં જરૂરી તબીબી સાધનોના અભાવે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
હાલ હોસ્પિટલમાં ઉપલબ્ધ એક્સ-રે (X-Ray) અને સોનોગ્રાફી (Sonography) મશીનો દર્દીઓની સંખ્યા સામે અપૂરતા હોવાથી ગંભીર હાલતમાં આવેલા દર્દીઓને પણ કલાકો સુધી રાહ જોવી પડે છે. અંતરિયાળ આદિવાસી વિસ્તારો અને મહારાષ્ટ્રની સરહદેથી આવતા ગરીબ દર્દીઓ આખો દિવસ લાઇનમાં ઉભા રહેવા છતાં સમયસર નંબર ન આવતાં ખાનગી લેબોરેટરીમાં મોંઘા ભાવે ટેસ્ટ કરાવવા અથવા વલસાડમાં રોકાઈને વધારાનો ખર્ચ કરવા મજબૂર બનતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
આ ગંભીર પ્રશ્નને લઈને તીઘરા ગામના સામાજિક આગેવાન મુકેશ પટેલે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરીને વલસાડ સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે વધારાના અદ્યતન એક્સ-રે મશીનો મંજૂર કરવા માંગ કરી છે. સાથે જ ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને ગંભીર દર્દીઓની વધતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વધારાના સોનોગ્રાફી મશીનો તથા નિષ્ણાત સ્ટાફની નિમણૂક કરવાની પણ માંગ ઉઠાવી છે.
મુકેશ પટેલે વધુમાં રજૂઆત કરી છે કે હોસ્પિટલમાં ટેસ્ટિંગ વિભાગોનો સમય વધારવામાં આવે અથવા 24 કલાક ઇમરજન્સી ડાયગ્નોસ્ટિક સેવા શરૂ કરવામાં આવે, જેથી દૂર-દરાજથી આવતા દર્દીઓને અનાવશ્યક મુશ્કેલીઓ અને આર્થિક બોજમાંથી રાહત મળી શકે.
હવે દર્દીઓ અને સ્થાનિક લોકોની નજર રાજ્ય સરકારના નિર્ણય પર છે. સરકાર વલસાડ સિવિલ હોસ્પિટલમાં વધારાના એક્સ-રે અને સોનોગ્રાફી મશીનો સાથે જરૂરી સ્ટાફની મંજૂરી આપીને હજારો ગરીબ દર્દીઓને રાહત આપે છે કે નહીં, તેના પર સૌની નજર મંડાઈ છે.




