GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જિલ્લામાં ‘કલા મહાકુંભ ૨૦૨૬-૨૭’નું આયોજન : સ્પર્ધકોએ ભાગ લેવા ૫ ઓગસ્ટ સુધીમાં અરજી કરવી

જૂનાગઢ જિલ્લામાં ‘કલા મહાકુંભ ૨૦૨૬-૨૭’નું આયોજન : સ્પર્ધકોએ ભાગ લેવા ૫ ઓગસ્ટ સુધીમાં અરજી કરવી

જૂનાગઢ જિલ્લામાં કલા મહાકુંભ ૨૦૨૬-૨૭નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્પર્ધકોને ૪ વયજૂથમાં પોતાની કલા-પ્રતિભા દર્શાવવાની ઉત્તમ તક મળશે. આ કલા મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે સ્પર્ધકોએ તા.૦૫- ૦૮-૨૦૨૬ સુધીમાં પોતાના ફોર્મ જમા કરવાના રહેશે. જૂનાગઢ જિલ્લાના કલાપ્રેમીઓ અને પ્રતિભાશાળી કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જૂનાગઢ દ્વારા કલા મહાકુંભ ૨૦૨૬-૨૭નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના કલાકારો એમ કુલ ૪ વય જૂથમાં સ્પર્ધકો ભાગ લઈ શકશે. આ મહાકુંભ અંતર્ગત સાહિત્ય વિભાગમાં વકૃત્વ, નિબંધ, કાવ્ય લેખન, ગઝલ શાયરી, લોકવાર્તા તથા દુહા-છંદ-ચોપાઈ અને કલા વિભાગમાં ચિત્રકલા તથા સર્જનાત્મક કારીગરીની સ્પર્ધાઓ યોજાશે. આ ઉપરાંત નૃત્ય વિભાગમાં લોકનૃત્ય, રાસ, ગરબા, ભરતનાટ્યમ, કથ્થક, કુચિપુડી, ઓડીસી અને મોહીનીઅટ્ટમ તેમજ ગાયન વિભાગમાં શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની), સુગમ સંગીત, લગ્નગીત, સમૂહગીત અને લોકગીત/ભજનની સ્પર્ધાઓ યોજાશે.વાદન વિભાગમાં હાર્મોનિયમ (હળવું), તબલાં, ઓર્ગન, સ્કૂલબેન્ડ, વાંસળી, સિતાર, ગિટાર, સરોદ, સારંગી, પખાવજ, વાયોલીન, મૃદંગમ, રાવણહથ્થો અને જોડીયા-પાવા જ્યારે અભિનય વિભાગમાં એકપાત્રીય અભિનય અને ભવાઈ જેવી વિવિધ સ્પર્ધાઓમાં કલાકારો કૃતિના નિયમો પ્રમાણે ભાગ લઈ શકશે. તાલુકા કક્ષા તથા ઝોન કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ઇચ્છુક ઉમેદવારોએ નિયત નમૂનાનું ફોર્મ, ઓળખકાર્ડની નકલ તેમજ બેંક પાસબુકની નકલ સાથે રાખી આગામી તા. ૦૫/૦૮/૨૦૨૬ના રોજ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં પોતાના ઝોન અથવા તાલુકા કન્વીનરને મળી જાય તે રીતે મોકલવાના રહેશે.આ કલામહાકુંભની તાલુકા અને ઝોન કક્ષાની સ્પર્ધાઓનું આયોજન આગામી તા. ૧૦/૦૮/૨૦૨૬ થી તા. ૨૫/૦૮/૨૦૨૬ દરમિયાન કરવામાં આવશે અને સ્પર્ધાની ચોક્કસ તારીખ માટે ઇચ્છુકોએ ઝોન અથવા તાલુકા કન્વીનરનો સંપર્ક કરવાનો રહેશે. જ્યારે સીધી જિલ્લા કક્ષા, સીધી પ્રદેશ કક્ષા અને સીધી રાજ્ય કક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ઇચ્છુક ઉમેદવારોએ નિયત નમૂનાનું ફોર્મ અને તમામ જરૂરી દસ્તાવેજો સાથે તા. ૦૫/૦૮/૨૦૨૬ના રોજ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, બ્લોક નં.૧, પ્રથમ માળ, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ-૩૬૨૦૦૧ ખાતે રૂબરૂ અથવા પોસ્ટ મારફત મોકલવાના રહેશે. આ સ્પર્ધા અંગેના નિયમો, ઝોન/તાલુકા કન્વીનરની યાદી અને નિયત નમૂનાના ફોર્મની તમામ વિગતો ‘Dydo Junagadh’ ફેસબૂક આઈ.ડી પર જોઈ શકાશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જૂનાગઢની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!