કાલોલ નાં સણસોલીમાં MGVCLના ખુલ્લા વીજ વાયરનો ભોગ: કરંટ લાગતા રાષ્ટ્રીય પક્ષી મોરનું કરુણ મોત.

તારીખ ૧૩/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સણસોલી ગામમાં MGVCLની કથિત બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ગામમાં ખુલ્લા અને જોખમી વીજ વાયરોના સંપર્કમાં આવતા દેશના રાષ્ટ્રીય પક્ષી મોરનું કરુણ મોત નીપજ્યાની ઘટના સામે આવી છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ ગામના ટ્રાન્સફોર્મર (ડીપી) વિસ્તારમાં મોર ઘૂસી ગયો હતો. ત્યાં ખુલ્લા વીજ વાયરના સંપર્કમાં આવતા તેને વીજ કરંટ લાગ્યો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામમાં લાંબા સમયથી ખુલ્લા અને જોખમી વીજ વાયરો અંગે રજૂઆતો છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે આજે રાષ્ટ્રીય પક્ષીનો જીવ ગયો છે. ગ્રામજનોના મતે સમયસર વીજ વ્યવસ્થા સુરક્ષિત બનાવવામાં આવી હોત તો આ દુર્ઘટના ટાળી શકાય તેમ હતી.આ ઘટનાને લઈને ગ્રામજનોએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની તેમજ ગામના તમામ ખુલ્લા અને જોખમી વીજ વાયરોને તાત્કાલિક સુરક્ષિત બનાવવાની માંગ કરી છે. ગ્રામજનોનું કહેવું છે કે સમયસર પગલાં નહીં લેવાય તો ભવિષ્યમાં પશુઓ અથવા લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે.







