GODHARAPANCHMAHAL

પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો આતંક: 3 બાળકોના મોતથી ફફડાટ

 

પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના કેસને લઈને સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. જેમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણોને લઈને પંચમહાલના ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે 13 બાળકોને સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જેમાંથી પંચમહાલ જિલ્લાના 11 અને મહીસાગર જિલ્લાના 2 દર્દીઓનો સમાવેશ થાય છે. ચાંદીપુરા પોઝિટિવ ધરાવતા 2 બાળકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. તેમજ અન્ય 1 બાળ દર્દીનું શંકાસ્પદ લક્ષણો સાથે મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 3 થયો છે. 13 શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્યની ટીમે 24 જેટલાં ગામોમાં સર્વેલન્સ સહિતની કામગીરી શરૂ કરી છે.

આ ગંભીર પરિસ્થિતિને પગલે આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે. ગત વર્ષે ચાંદીપુરા વાયરસના કેસો મળ્યા એ ગામ મળી સંભવિત કુલ 24 ગામોમાં સઘન સર્વેલન્સ હાથ ધરીને દવા છંટકાવ, તેમજ કાચા મકાનોની દીવાલોની તિરાડો પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સર્વેલન્સ દરમિયાન તંત્ર દ્વારા 450થી વધુ સેન્ડફ્લાય માખીઓ પણ પકડવામાં આવી છે.

‘ચાંદીપુરા વાયરલ ઇન્સેફેલાઇટિસના પંચમહાલ જિલ્લામાં ટોટલ 13 કેસ રિપોર્ટ થયા છે. જેમાંથી 2 પોઝિટિવ છે અને 6ના રિઝલ્ટ પેન્ડિંગ. જ્યારે બે કેસ સાજા થતાં ઘેર મોકલવામાં આવ્યા છે. ભૂતકાળમાં જ્યાં ચાંદીપુરા વાયરસના કેસ મળી આવ્યા હતા એ જગ્યાએ સર્વેલન્સ સ્ટ્રેન્થન, ડસ્ટિંગ, સ્પ્રેઇંગ સહિતની કામગીરી હાથ ધરાઈ છે. ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસને લઈને તમામ મેડિકલ ઓફિસરને સૂચનાઓ આપવામાં આવી છે કે, તેઓ સસ્પેક્ટેડ કેસ મળે તો તાત્કાલિક તેમને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલે. તેમજ જો કોઈ બાળકને તાવ, માથાનો દુખાવો, ઊલટી વગેરે થતું હોય તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઈ જવા.’

આ રોગમાં બાળકને શરૂઆતમાં અચાનક તીવ્ર તાવ આવે છે. તાવ આવ્યા બાદ સતત ઝાડા ઉલ્ટી થવી, શરીરમાં ખેંચ આવવી જેવા લક્ષણો જોવા મળે છે. પરિસ્થિતિ વધુ બગડતાં બાળક અર્ધબેભાન કે સંપૂર્ણ બેભાન પણ થઈ શકે છે. 24થી 48 કલાકની અંદર સારવાર ન મળે તો બાળકનું મૃત્યુ નું જોખમ રહેલું છે.

Back to top button
error: Content is protected !!