Rajkot: વાવણી સંદર્ભે ખરીફ મકાઈમાં જીવાત વ્યવસ્થાપન માટે માર્ગદર્શક પગલાં

તા.૧૩/૭/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
સારા નિતારવાળી જમીન વાવણી માટે પસંદ કરવી જોઈએ
Rajkot: ખરીફ ઋતુમાં મકાઈના પાકને વિવિધ રોગ અને જીવાતોથી બચાવવા માટે વાવણી પહેલાં તેમજ વાવણી સમયે ખાસ તકેદારી રાખવી જરૂરી છે. ખેડૂતો જો સંકલિત વ્યવસ્થાપન પદ્ધતિ અપનાવે તો પાકને રોગમુક્ત રાખી શકે છે. જેના માટે તંદુરસ્ત અને રોગમુક્ત બિયારણ વાપરવું તથા રોગપ્રતિકારક જાતો પસંદ કરવી હિતાવહ છે. નિષ્ણાતોએ ભલામણ કરેલી ખેતી પદ્ધતિનો સમયસર ઉપયોગ કરવો અને એક જ જમીન પર મકાઈ વારંવાર ન વાવતા પાકની ફેરબદલી અપનાવવી જોઈએ. પિયત અને રાસાયણિક ખાતરનો વપરાશ પણ ભલામણ મુજબ કરવો જોઈએ.
મકાઈમાં પાછોતરો-સુકારો રોગના નિયંત્રણ માટે સારા નિતારવાળી જમીન વાવણી માટે પસંદ કરવી જોઈએ. ઉપરાંત, જમીનનું તાપમાન નીચું રહે તે માટે ટૂંકા ગાળે પિયત આપવાથી રોગમાં ઘટાડો થાય છે. મકાઈમાં ગાભમારાની ઇયળના નિયંત્રણ માટે મગ, અડદ, તુવેર અથવા ચોળા આંતરપાક તરીકે વાવવા જોઈએ તથા વાવણી પહેલાં લીંબોળીનો ખોળ ૦૧ ટન પ્રતિ હેક્ટર નાખવો જરૂરી છે.
પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ (ફોલ આર્મીવોર્મ)ના નિયંત્રણ માટે ઓછી સંવેદનશીલ જાતો જેવી કે ગુજરાત આણંદ પીળી મકાઈ હાઈબ્રીડ-૧ (GAYMII-૧) અને ગુજરાત આણંદ પીળી મકાઈ હાઈબ્રીડ-૩ (GAYMH-૩)નું વાવેતર કરવું જોઈએ. પાનના સુકારા તેમજ તડછારો રોગ સામે પ્રતિકારક જાતો જેવી કે ગુ.આ.પી.સં.મ.-૧, ગુ.આ.સ.સં.મ.-૨, ગુ.આ.પી.સં.મ.-૩, ગંગા સફેદ-૨, ગંગા સફેદ-૧૧, ગુજરાત મકાઈ-૨, ૪, ૬, નર્મદા મોતી, ગંગા-૫, ડેક્કન-૧૦, શ્વેતા, નવીન અને જવાહર જેવી જાતોની વાવણી કરવી જોઈએ.
વધુમાં, ગાભમારા કે સાંઢાની ઇયળના વ્યવસ્થાપન માટે બિયારણનો દર વધારે રાખવો જોઈએ. જેથી, શરૂઆતમાં ઉપદ્રવ લાગેલા છોડ ઉપાડી ઇયળ સહિત નાશ કરવાથી ઉપદ્રવ ઘટાડી શકાય અને એકમ વિસ્તારમાં છોડની સંખ્યા સાચવી શકાય છે. મકાઈમાં બીજનો કોહવારો, પાનનો સુકારો અને ઉગતા છોડનો સુકારો અટકાવવા માટે બીજને જૈવિક ફૂગનાશક તરીકે ટ્રાયકોડર્મા ૦૬ ગ્રામ પ્રતિ એક કિલોગ્રામ બીજ દીઠ માવજત આપીને વાવવા જોઈએ અથવા જરૂરિયાતને ધ્યાને લઈને ફૂગનાશક દવા તરીકે થાયરમ અથવા કાર્બેન્ડેઝીમ ૦૨-૦૩ ગ્રામ પ્રતિ ૦૧ કિ.ગ્રા. બીજની માવજત આપીને વાવણી કરવી જોઈએ. તેમજ ટપકાંવાળી લશ્કરી ઇયળ સામે રક્ષણ માટે બીજને કીટનાશકના તૈયાર મિશ્રણ સાયન્ટ્રાનિલીપ્રોલ ૧૯.૮% + થાયામેથોક્ઝામ ૧૯.૮% એફએસ, ૦૬ મિ.લિ./કિ.ગ્રા. પ્રમાણે સપ્રમાણ પાણી મેળવી બીજ માવજત આપી છાંયડે સૂકવી વાવેતર કરવું જોઈએ.
આ ઉપરાંત, દવાનો વપરાશ કરતી વખતે દવા ઉપર આપવામાં આવેલા લેબલ મુજબ જ જે-તે પાક માટે રોગ કે જીવાત માટેનો ડોઝ અનુસરવો જોઈએ. આ અંગે વધુ જાણકારી માટે ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરવા રાજકોટ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાની યાદીમાં જણાવાયું છે.


