WAKANER વાંકાનેર 31 વર્ષની નિષ્ઠાભરી સેવાને સલામ: તાલુકા શાળા નં. 1ના છેલ્લા પટ્ટાવાળા રાઠોડ વિજયભાઈને લાગણીસભર વિદાય

WAKANER વાંકાનેર 31 વર્ષની નિષ્ઠાભરી સેવાને સલામ: તાલુકા શાળા નં. 1ના છેલ્લા પટ્ટાવાળા રાઠોડ વિજયભાઈને લાગણીસભર વિદાય
“‘ફરજથી વધુ પરિવારનો સંબંધ જાળવનાર કર્મચારી બન્યા પ્રેરણાસ્ત્રોત; વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સહકર્મચારીઓની આંખો ભીની થઈ”
ગુજરાત સરકારની પ્રાથમિક શાળાઓના ઇતિહાસમાં એક યુગનો અંત દર્શાવતો લાગણીસભર પ્રસંગ તાલુકા શાળા નં. 1 ખાતે સર્જાયો. છેલ્લા 31 વર્ષથી નિષ્ઠા, સમયપાલન અને સેવાભાવ સાથે ફરજ બજાવનાર પટ્ટાવાળા રાઠોડ વિજયભાઈ મેરુભાઈના નિવૃત્તિ પ્રસંગે શાળા પરિવાર દ્વારા ભાવભર્યો વિદાય સમારંભ યોજાયો. ખાસ નોંધનીય બાબત એ છે કે ગુજરાત સરકારની પ્રાથમિક શાળાઓમાં પટ્ટાવાળાની આ પરંપરાગત પોસ્ટ હવે અસ્તિત્વમાં નથી, જેના કારણે આ વિદાય એક ઐતિહાસિક ક્ષણ બની રહી.
તાલુકા શાળા નં. 1ના આચાર્ય પટેલ સોફિયાબેનના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં માજી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. જીગ્નેશભાઈ વોરા, BRC કો-ઓર્ડિનેટર શેરશિયા ઈરફાનભાઈ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળા, પ્રાથમિક શૈક્ષિક સંઘના અધ્યક્ષ અશોકભાઈ સતાસીયા સહિત અનેક શિક્ષણપ્રેમીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
રાઠોડ વિજયભાઈએ પોતાની ફરજને માત્ર નોકરી નહીં, પરંતુ પરિવારની જવાબદારી સમજી નિભાવી હતી. શાળાની સ્વચ્છતા, વ્યવસ્થા, વિદ્યાર્થીઓ પ્રત્યેનો સ્નેહ, શિક્ષકોને સહકાર અને દરેક કાર્યમાં જવાબદારીની ભાવનાએ તેમને સમગ્ર શાળા પરિવારના વિશ્વાસુ સભ્ય બનાવ્યા હતા. અનેક વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે તેઓ માત્ર પટ્ટાવાળા નહીં, પરંતુ શાળાના વડીલ અને માર્ગદર્શક સમાન રહ્યા.સરકારી તંત્રમાં કોઈપણ સંસ્થાની સફળતા માત્ર અધિકારીઓ કે શિક્ષકો પર આધારિત નથી. પડદા પાછળ નિષ્ઠાપૂર્વક કામ કરતા કર્મચારીઓ પણ સંસ્થાની મજબૂત કડી હોય છે. રાઠોડ વિજયભાઈની 31 વર્ષની નિષ્કલંક સેવા એ સાબિત કરે છે કે પદ નાનું હોઈ શકે, પરંતુ કર્મની મહાનતા વ્યક્તિને સૌના દિલમાં અમર બનાવી દે છે.
આવો વિદાય સમારંભ માત્ર એક કર્મચારીને સન્માન આપતો કાર્યક્રમ નથી, પરંતુ નવી પેઢીના કર્મચારીઓ માટે સંદેશ છે કે પ્રામાણિકતા, સમયપાલન, સેવાભાવ અને માનવતા સાથે કરેલી ફરજ જ સાચી ઓળખ બનાવે છે. નિવૃત્તિ સેવા જીવનનો અંત નથી, પરંતુ સમાજ માટેના નવા અધ્યાયની શરૂઆત છે. રાઠોડ વિજયભાઈ મેરુભાઈની સેવાયાત્રા દરેક સરકારી કર્મચારી માટે પ્રેરણાદાયી ઉદાહરણ બની રહેશે અને તેમની નિષ્ઠાને શાળા પરિવાર લાંબા સમય સુધી સ્નેહપૂર્વક યાદ રાખશે.









