
બ્રિજેશ પટેલ, ભરૂચ
એસ.આર.એફ ફાઉન્ડેશનના સ્વાસ્થ્ય સેવા કાર્યક્રમ અંતર્ગત રાહિયાદ ગામ ખાતે રસીકરણ અંગે જાગૃતિ લાવવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં કુલ 59 મહિલાઓ, કિશોરીઓ અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
કાર્યક્રમની શરૂઆત પ્રજ્ઞેશભાઈ દ્વારા સ્વાગત પ્રવચન સાથે કરવામાં આવી. તેમણે રસીકરણને બાળકના સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય માટેનું મહત્વપૂર્ણ સાધન ગણાવી ગ્રામજનોને આરોગ્ય પ્રત્યે વધુ સજાગ બનવા અપીલ કરી.
કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ડૉ. નીલુ પટેલે રસીકરણના મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. તેમણે રસીકરણના વૈશ્વિક ઇતિહાસ, સ્મોલપોક્સ જેવી જીવલેણ બીમારીના નાબૂદીકરણમાં રસીકરણની ભૂમિકા તેમજ ભારતને પોલિયો મુક્ત બનાવવામાં મળેલી સફળતા વિશે માહિતી આપી. સાથે જ બાળ રસીકરણ, ગર્ભવતી માતાઓ માટેની આવશ્યક રસીઓ, સરકારના નિયમિત રસીકરણ કાર્યક્રમ તથા રસી અંગેની ગેરમાન્યતાઓ અને તેના વૈજ્ઞાનિક તથ્યો અંગે સરળ ભાષામાં સમજણ આપવામાં આવી.
ડૉ.નીલુ પટેલે જણાવ્યું કે, “રસીકરણ એ બાળકને અનેક ગંભીર અને જીવલેણ રોગોથી સુરક્ષિત રાખવાનો સૌથી અસરકારક અને વિશ્વસનીય ઉપાય છે. દરેક માતા-પિતાએ પોતાના બાળકોનું સમયસર રસીકરણ પૂર્ણ કરાવવું જોઈએ.”
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહિલાઓ અને ગ્રામજનોએ રસીકરણ સંબંધિત પ્રશ્નો પૂછ્યા અને પોતાની શંકાઓનું નિરાકરણ મેળવ્યું. આ સંવાદાત્મક સત્ર દ્વારા રસીકરણ પ્રત્યે વિશ્વાસ વધારવામાં અને જાગૃતિ ફેલાવવામાં મદદ મળી.
કાર્યક્રમના અંતે નેહાબેન દ્વારા તમામ ઉપસ્થિતોને રસીકરણ જાગૃતિ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. પ્રતિજ્ઞા દરમિયાન સૌએ પોતાના પરિવારના દરેક બાળકનું સમયસર રસીકરણ કરાવવા તેમજ સમાજમાં રસીકરણ અંગે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રજ્ઞેશભાઈ અને ચેતનભાઈ દ્વારા કરવામાં આવ્યું. એસ.આર.એફ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમ ગ્રામજનોમાં આરોગ્ય જાગૃતિ વધારવા અને “સંપૂર્ણ રસીકરણ – સ્વસ્થ સમાજનો આધાર” ના સંદેશને પ્રસરાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થયો.



