NATIONAL

C-Voter સર્વેમાં કેન્દ્ર સરકારની E-20 ઇથેનોલ પોલિસી સામે દેશભરમાં વિરોધ જોવા મળ્યો !!!

નવી દિલ્હી: દેશમાં ઈથેનોલ પૉલિસી ભારે ચર્ચાસ્પદ બની છે. દેશનો મોટો વર્ગ ઈ-૨૦ પેટ્રોલનો વિરોધ કરે છે. તેમને ડર છે કે ઈથેનોલ ભેળવેલા પેટ્રોલથી વાહનો ખરાબ થઈ જશે. એવરેજમાં કડાકો બોલી જશે અને એન્જિન વહેલું ખરાબ થઈ જશે. સી-વૉટરના એક સર્વેમાં જણાયું કે સત્તાધારી ગઠબંધન એનડીએના બહુમતી સમર્થકોમાં ઈ-૨૦નો ભારે વિરોધ છે. તેમને સરકારની આ પૉલિસી મંજૂર નથી. ૨૯ ટકા લોકો ઈથેનોલ બાબતે કોઈ નિર્ણય પર આવી શક્યા નથી.

કેન્દ્ર સરકારની ઈથેનોલ પૉલિસીએ દેશવ્યાપી ચર્ચા જગાવી છે. એક તરફ સરકાર સતત આ પૉલિસીનો બચાવ કરે છે અને તેને સલામત ગણે છે. બીજી તરફ જૂના વાહનોમાં તેનાથી નુકસાન થશે એવા તારણો રજૂ થઈ રહ્યાં છે. લોકોમાં ભારે મૂંઝવણ છે. ઈથેનોલનો ઉપયોગ કરવાથી લાંબાંગાળે શું થશે તે બાબતે તો કોઈ જ સત્તાવાર રિસર્ચ સરકારે પણ બહાર પાડયું છે. સરકાર માત્ર સાયન્ટિફિક રિસર્ચ જાહેર કર્યા વગર જ ઈ-૨૦ને સલામત ગણાવે છે.
આવી સ્થિતિ વચ્ચે સી-વૉટર્સે એક સર્વે હાથ ધર્યો હતો. ભાજપના નેતૃત્વમાં કેન્દ્રમાં એનડીએની સરકાર છે. એનડીએને મત આપનારા લોકોમાંથી ૫૨.૫ ટકા લોકોએ સ્પષ્ટ શબ્દોમાં ઈથેનોલ-૨૦ પૉલિસીનો વિરોધ કર્યો. આ લોકોએ કહ્યું કે તેમને પેટ્રોલમાં ૨૦ ટકા ઈથેનોલ ભેળવવામાં આવે છે તે એમને પસંદ નથી. એનડીએના ૧૮.૧ ટકા લોકોએ જ ઈથેનોલ-૨૦નું સમર્થન કરીને એમાં વિશ્વાસ મૂક્યો હતો. એનડીએના ૨૯ ટકા મતદારો કોઈ નિર્ણય પર આવી શક્યા ન હતા. તેઓ તરફેણ અને વિરોધમાં થઈ રહેલી દલીલોથી કન્ફ્યૂઝ્ડ છે.

બીજી તરફ વિપક્ષી ગઠબંધનના ૫૭.૯ એટલે ઓલમોસ્ટ ૫૮ ટકા લોકોએ ઈ-૨૦નો વિરોધ કર્યો હતો. સત્તાધારી કે વિપક્ષ એમ એકેય ગઠબંધનમાં ન હોય એવી પાર્ટીના ૫૫ ટકા વોટર્સે આ મેથડને રિજેક્ટ કરીને વિરોધ કર્યો હતો.બધા મળીને ૫૫.૧ ટકા લોકોએ ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ સામે વાંધો ઉઠાવ્યો હતો અને માઈલેજ ઘટી જવાથી માંડીને એન્જિન ખરાબ થઈ જવા સુધીની ચિંતા વ્યક્ત કરી હતી. દેશના માત્ર ૧૭.૧ ટકા લોકોએ જ ઈથેનોલના મિશ્રણમાં ભરોસો વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રનો રાજ્ય સરકારોને આદેશ : ઇ-૨૦ પેટ્રોલ સલામત : ભેળસેળ કરનારા સામે આકરી કાર્યવાહી કરો
નવી દિલ્હી: લોકોમાં ઇ-૨૦ પેટ્રોલની ગુણવત્તા અને એન્જિનની સુરક્ષાને લઈને ઘણી ચિંતા જોવા મળી રહી છે. આ સંદર્ભમાં કેન્દ્રએ રાજ્ય સરકારોને પેટ્રોલમાં ભેળસેળ કરનારાઓ સામે આકરી કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. સરકાર ઇ-૨૦ પેટ્રોલના મોરચે કોઈ પાછીપાની કરવા માંગતી નથી. આથી પેટ્રોલમાં બીજું કોઈપણ પ્રકારનું મિશ્રણ કરનારા સામે સરકાર આકરા પગલાં લેવા તૈયાર છે.
આ સંદર્ભમાં પેટ્રોલિયન અને નેચરલ ગેસ મંત્રાલયે બધા રાજ્યોના મુખ્ય સચિવોને જણાવ્યું હતું કે ઇંધણની જાળવણી કે સપ્લાય ચેઈનમાં કોઈપણ પ્રકારની બેદરકારીને જરા પણ સહન કરવામાં નહીં આવે.
સરકારે જણાવ્યું હતું કે પેટ્રોલમાં ભેળસેળ કરનારા દરેક કેસમાં આકરી કાર્યવાહી કરવામાં આવે. ગુણવત્તા સાથે સમાધાન કરનારા સામે ઝીરો ટોલરન્સનો અભિગમ અપનાવવામાં આવે. જો કે મંત્રાલયે તે સ્પષ્ટ કર્યુ નથી કે અત્યાર સુધી ક્યાં મોટાપાયા પર ભેળસેળ પકડાઈ છે.
સરકારના માપદંડ મુજબ ઈ-૨૦ પેટ્રોલ સંપૂર્ણ સલામત છે. હવે જો ગાડીમાં ખરાબી આવે છે તો તે પેટ્રોલની ખરાબ ગુણવત્તા, પેટ્રોલ પંપો પર યોગ્ય જાળવણીનો અભાવ અને ભેળસેળના કારણે હોઈ શકે છે. આ ભેળસેળનો ભોગ સરકારનો ઇ-૨૦ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનો પ્રોગ્રામ બની રહ્યો છે, તેથી સરકારે આકરા પગલાં લેવા ફરમાન કર્યુ છે. ઇ-૨૦ પેટ્રોલના કારણે અચાનક ગાડી બંધ પડી જવી અને બ્રેકડાઉન થવાના કેસ સામે આવ્યા છે. આમ છતાં સરકારની તપાસ મુજબ અસલી સમસ્યા ઈ-૨૦ પેટ્રોલમાં નથી, પરંતુ ભેળસેળવાળા ઇંધણમાં છે. તેથી જ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને ભેળસેળિયા સામે આકરાં પગલાં લેવા આદેશ આપ્યો છે.

Back to top button
error: Content is protected !!