રેલવેની જમીન પર પાંચ વર્ષમાં 32%નો વધારો

ભારતીય રેલવેની જેટલી જમીન અતિક્રમણકારોના કબજામાં છે, તેટલી જમીન પર વિશ્વના સૌથી મોટા ક્રિકેટ મેદાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેવા 42 મેદાનો બની શકે છે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન ઍક્ટ હેઠળ મંગાયેલી માહિતીમાં આ સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો ખુદ રેલવે બોર્ડે કર્યો છે.
ભારતીય રેલવેની જમીન પર ગેરકાયદેસર કબ્જો (અતિક્રમણ) કરવાના મામલા સતત વધી રહ્યા છે. માહિતી અધિકાર અધિનિયમ (RTI) હેઠળ રેલવે બોર્ડે માહિતી આપી છે કે, માર્ચ, 2025 સુધીમાં રેલવેની 1068.54 હેક્ટર જમીન પર અતિક્રમણ હતું. રેલવે બોર્ડ તરફથી મળેલી માહિતી મુજબ, રેલવેની જેટલી જમીન પર અતિક્રમણ છે, તેટલી જમીન પર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેવા 42 સ્ટેડિયમોનું નિર્માણ થઈ શકે છે.
આ ઉપરાંત ફિફા(FIFA)ના ધોરણો મુજબ આશરે 1396 ફૂટબોલ સ્ટેડિયમ પણ આ જમીન પર બનાવી શકાય તેમ છે. આરટીઆઇ હેઠળ રેલવેની જમીન પરના અતિક્રમણનો છેલ્લા 25 વર્ષનો રૅકોર્ડ માંગવામાં આવ્યો હતો. જોકે, રેલવે બોર્ડે માત્ર છેલ્લા પાંચ વર્ષનો જ રૅકોર્ડ ઉપલબ્ધ કરાવ્યો છે. રેલવે બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વર્ષ 2020-21 સુધી રેલવેની 810.31 હેક્ટર જમીન પર અતિક્રમણ હતું. વર્ષ 2024-25ના માર્ચ મહિનામાં અતિક્રમણનો ભોગ બનેલી રેલવેની જમીનનો આંકડો 1068.54 હેક્ટર પર પહોંચી ગયો છે. આંકડાકીય દૃષ્ટિએ જોઈએ તો, અતિક્રમણ હેઠળ આવેલી જમીનનો વિસ્તાર આ પાંચ વર્ષમાં લગભગ 32 ટકા જેટલો વધ્યો છે. રેલવે બોર્ડ દ્વારા આપવામાં આવેલા આ આંકડા 27 માર્ચ 2026ના રોજ સંસદમાં સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી સાથે પણ સુસંગત છે.
સરકારે સંસદમાં માહિતી આપી હતી કે, 1 એપ્રિલ 2025 સુધીમાં રેલવે પાસે 4.99 લાખ હેક્ટર જમીન હતી. જેમાંથી અંદાજે 1068 હેક્ટર જમીન અતિક્રમણકારોના કબજામાં છે. હવે રેલવે બોર્ડ તરફથી મળેલા આંકડા પણ આ જ સત્ય દર્શાવી રહ્યા છે.
રેલવે દ્વારા અતિક્રમણને લઈને જે આંકડા આપવામાં આવ્યા છે, તે મુજબ નાણાકીય વર્ષ 2021-22 એકમાત્ર એવું વર્ષ રહ્યું, જ્યારે અતિક્રમણમાં ઘટાડો (નેગેટિવ ટ્રેન્ડ) જોવા મળ્યો હતો. નાણાકીય વર્ષ 2021-22માં અતિક્રમણ કરાયેલી જમીનનો વિસ્તાર ઘટીને 782.81 હેક્ટર થઈ ગયો હતો, પરંતુ તેના પછીના જ વર્ષે તેમાં મોટો વધારો જોવા મળ્યો હતો. વર્ષ 2023-24માં જ અતિક્રમણકારોના કબજા હેઠળનો વિસ્તાર વધીને 1078.55 હેક્ટર પર પહોંચી ગયો હતો. વર્ષ 2024-25માં મામૂલી ઘટાડો થયો હતો, પરંતુ એકંદરે ટ્રેન્ડ વધારાનો જ જોવા મળી રહ્યો છે.



