હાલોલમાં રથયાત્રા પર્વને લઈને DYSP વી.જે.રાઠોડની અધ્યક્ષતામાં પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ

રિપોર્ટર. કાદિર દાઢી. હાલોલ
તા.૧૫.૭.૨૦૨૬
હાલોલ શહેરમાં આવતીકાલે અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાવા જઈ રહી છે. આ વર્ષે હાલોલ નગરમાં ભગવાન જગન્નાથજીની 40મી રથયાત્રા પરંપરાગત શ્રદ્ધા અને ઉલ્લાસભેર નીકળશે, જેને લઈને સમગ્ર પંથકમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.આ પર્વ શાંતિપૂર્ણ, સૌહાર્દપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે હાલોલ પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. રથયાત્રાના પૂર્વ સંધ્યાએ આજે હાલોલ પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર એક ભવ્ય ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ફ્લેગ માર્ચ હાલોલ DYSP વી.જે. રાઠોડની અધ્યક્ષતામાં યોજાઈ હતી.જેમાં હાલોલ ટાઉન પીઆઈ આર.કે.દેસાઈ તેમજ રૂરલ પીઆઇ વી.એચ.જાડેજા અને પોલીસ સ્ટેશનના અધિકારીઓ, હોમગાર્ડ્સ અને જવાનોનો મોટો કાફલો જોડાયો હતો. રથયાત્રા જે નિર્ધારિત માર્ગો પરથી પસાર થવાની છે, તે તમામ સંવેદનશીલ અને મુખ્ય રૂટ પર પોલીસે કડક ફ્લેગ માર્ચ કરીને સુરક્ષા વ્યવસ્થાની આકરી સમીક્ષા કરી હતી.પોલીસ પ્રશાસન દ્વારા નાગરિકોને શાંતિ અને ભાઈચારા સાથે તહેવાર ઉજવવા અપીલ કરવામાં આવી છે, તેમજ સોશિયલ મીડિયા પર અફવાઓથી દૂર રહેવા અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા જણાવાયું છે. આવતીકાલે નીકળનારી આ 40મી રથયાત્રાને લઈને નગરજનો પણ ભગવાનના સ્વાગત માટે આતુર બન્યા છે.









