KAMREJSURATSURAT CITY / TALUKO

શેખપુર ગ્રામ પંચાયતમાં સામાજીક ન્યાય સમિતિની રચનામાં મોટો લોચો? તંત્ર કાયદાના બહાના હેઠળ ભીનું સંકેલવા મથતું હોવાનો આક્ષેપ

સુરત કામરેજ તાલુકાના શેખપુર ગ્રામ પંચાયતમાં સામાજીક ન્યાય સમિતિની રચનાને લઈને મોટો વિવાદ ગરમાયો છે. પંચાયત દ્વારા નિયમોને નેવે મૂકીને ખોટી રીતે સમિતિની રચના કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સાથે ઉચ્ચ સ્તરે રજૂઆત થતાં પંચાયત આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. જોકે, આ ગંભીર લોચા અંગે યોગ્ય તપાસ કરવાના બદલે સ્થાનિક પંચાયત તંત્ર કાયદાની કલમો આગળ ધરીને સમગ્ર મામલે ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

અરજદારનો ધડાકો: સમિતિની રચના જ ખોટી!

મળતી માહિતી મુજબ, વેલંજા  ના રહીશ કલ્પેશભાઈ એમ. ધામેલીયાએ સુરત જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) ને લેખિત ફરિયાદ કરી સનસનાટી મચાવી હતી કે શેખપુર ગ્રામ પંચાયતમાં સામાજીક ન્યાય સમિતિની રચનામાં મોટો ગોટાળો કરવામાં આવ્યો છે અને તે નિયમો વિરુદ્ધ છે. મહિલા સમરસ ગ્રામ પંચાયતના આ વહીવટ સામે સવાલો ઉઠતા મામલો ગરમાયો હતો.

કાયદાનું બહાનું ધરીને સભ્યો ફેરવવાની ના પાડી દીધી!

આ ફરિયાદના પગલે સુરત જિલ્લા પંચાયત અને કામરેજ તાલુકા પંચાયતે તપાસના આદેશ આપી અહેવાલ માંગ્યો હતો. જેના જવાબમાં શેખપુર ગ્રામ પંચાયતના તલાટી અને કામરેજ તાલુકા વિકાસ અધિકારી (TDO)કચેરીએ જે ખુલાસો કર્યો છે તે ચોંકાવનારો છે. તંત્રએ સ્વીકાર્યું છે કે વર્ષ ૨૦૨૨ માં ઠરાવ નં. ૫/૬ થી આ સમિતિ બનાવાઈ હતી, પણ હવે તેમાં કોઈ ફેરફાર થઈ શકે તેમ નથી.

અહેવાલમાં ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ-૯૭ નો હવાલો આપીને એવો બચાવ કરવામાં આવ્યો છે કે:

પંચાયત એકવાર ઠરાવ કરી દે, પછી તેને પોતાની જ સમિતિની રચનામાં ફેરફાર કરવાનો, સભ્યો બદલવાનો કે મુદત ફેરવવાનો કોઈ સત્તાવાર અધિકાર રહેતો નથી!

જનતામાં રોષ: જો ભૂલ થઈ હોય તો સુધારવાની સત્તા કેમ નહીં?

સ્થાનિકો અને અરજદારના વર્તુળોમાં ચર્ચા છે કે જો સમિતિની રચનામાં શરૂઆતથી જ કોઈ ભૂલ કે ગેરરીતિ થઈ હોય, તો તંત્ર કાયદાની કલમોનું બહાનું કાઢીને સભ્યો કે સમિતિ બદલવાની ના કેમ પાડી રહ્યું છે? સામાન્ય જનતાના ન્યાય માટે બનેલી સમિતિ પોતે જ વિવાદોના ઘેરાવમાં હોય અને પંચાયત ‘અમારી પાસે સત્તા નથી’ તેમ કહીને હાથ ઊંચા કરી લે, તે પંચાયતી રાજના વહીવટ સામે મોટા સવાલો ઊભા કરે છે.

હાલમાં તો તાલુકા વિકાસ અધિકારી (TDO) કચેરીએ આ અહેવાલ નાયબ જિલ્લા વિકાસ અધિકારીને મોકલી આપીને સંતોષ માની લીધો છે, પરંતુ ખોટી સમિતિની રચનાના આક્ષેપોથી શેખપુર ગ્રામ પંચાયતનો વહીવટ શંકાના દાયરામાં આવી ગયો છે.

રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત

Back to top button
error: Content is protected !!