GUJARATTHARADVAV-THARAD

થરાદમાં SOGનો મેગા દરોડો: 7,400 ટ્રામાડોલ ગોળીઓ સાથે યુવક ઝડપાયો, કરોડોનો મુદ્દામાલ કબજે

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

વાવ-થરાદ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ નશાકારક દવાઓના ગેરકાયદે વેપાર સામે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. થરાદ શહેરના માધવ કોમ્પ્લેક્સમાં દરોડો પાડી ચારડા ગામના એક યુવકને પ્રતિબંધિત ટ્રામાડોલની 7,400 ગોળીઓ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસે આપેલી માહિતી અનુસાર, ચારડા ગામના મફાભાઈ નાગજીભાઈ રબારી (ઉ.વ. 27) પોતાની કબજા ભોગવટાની માધવ કોમ્પ્લેક્સના પ્રથમ માળે આવેલી દુકાન નં. 12માં પ્રતિબંધિત નશાકારક દવાઓનો જથ્થો વેચાણ માટે રાખ્યો હતો. ચોક્કસ બાતમીના આધારે SOGની ટીમે દરોડો પાડી આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો.

દરોડા દરમિયાન પોલીસે MRX Tramadol Hydrochloride તેમજ Paracetamol and Tramadol Hydrochloride નામની કુલ 7,400 પ્રતિબંધિત ગોળીઓ જપ્ત કરી હતી. ગોળીઓની બજાર કિંમત અંદાજે ₹41,588 હોવાનું સામે આવ્યું છે, જ્યારે સરકારના પરિપત્ર મુજબ તેનો મુદ્દામાલ ₹6,87,13,600થી વધુ આંકવામાં આવ્યો છે.

આ ઉપરાંત આરોપી પાસેથી એક મોબાઇલ ફોન, દવાના ત્રણ બિલ, બે ખાલી બોક્સ તથા અન્ય જરૂરી દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા છે.

SOG પોલીસે આરોપી વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ પ્રતિબંધિત દવાઓનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને સપ્લાય કરવાનો હતો અને આ ગેરકાયદે નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંકળાયેલા છે તે અંગે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

Back to top button
error: Content is protected !!