KUTCHMUNDRA

કચ્છ યુનિવર્સિટી ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે સંશોધન અને શિક્ષણજગતના અમૂલ્ય ગ્રંથ તથા કચ્છી વાર્તા સંગ્રહના હિન્દી રૂપાંતરનું વિમોચન

​"ડૉ. કોમલ સચદે મારા સુખપર ગામનું ગૌરવ છે. તેમના શૈક્ષણિક સંશોધનો સમાજ અને શિક્ષણ જગતને એક નવો પ્રકાશ પૂરો પાડશે." – સાંસદ વિનોદભાઈ ચાવડા

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

કચ્છ યુનિવર્સિટી ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે સંશોધન અને શિક્ષણજગતના અમૂલ્ય ગ્રંથ તથા કચ્છી વાર્તા સંગ્રહના હિન્દી રૂપાંતરનું વિમોચન

૦૦૦

​”ડૉ. કોમલ સચદે મારા સુખપર ગામનું ગૌરવ છે. તેમના શૈક્ષણિક સંશોધનો સમાજ અને શિક્ષણ જગતને એક નવો પ્રકાશ પૂરો પાડશે.” – સાંસદ વિનોદભાઈ ચાવડા

૦૦૦

કચ્છ યુનિવર્સીટી, કચ્છી સાહિત્ય કલા સંઘ-મોરઝર અને ગુજરાતી ભાષા ભવનના સંયુક્ત યજમાનપદે યોજાયો ઐતિહાસિક કાર્યક્રમ

૦૦૦

વિશ્રામ ગઢવી ‘લાયજા’ના ‘ઓમાણ’ના હિન્દી અનુવાદ ‘અમાનત’ અને ડૉ. કોમલ સચદેના શૈક્ષણિક સંશોધન ગ્રંથ ‘શિક્ષણામૃત’નું વિમોચન 

 

મુંદરા, તા. ૧૬ (કચ્છી નવું વર્ષ) :

સંશોધનાત્મક પુસ્તકો એ જ્ઞાનની ખરી ખોજ છે. કચ્છી ભાષા અને તેનું સાહિત્ય એ કચ્છીયતની અસ્મિતા અને ખરી ઓળખ છે તેમ તાજેતરમાં કચ્છી નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કચ્છ યુનિવર્સિટી ખાતે યોજાયેલા ભવ્ય પુસ્તક વિમોચન અને રસાસ્વાદ કાર્યક્રમ દરમિયાન વિદ્વાન વક્તાઓએ જણાવ્યું હતું. કે.એસ.કે.વી. કચ્છ યુનિવર્સિટી, કચ્છી સાહિત્ય કલા સંઘ-મોરઝર અને ગુજરાતી ભાષા ભવનના સંયુક્ત યજમાન પદે આયોજિત આ સમારોહમાં કચ્છ-મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના વરદ હસ્તે શિક્ષણ અને સાહિત્ય જગતના બે અમૂલ્ય સંશોધન ગ્રંથોનું વિમોચન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો પ્રારંભ મંગલ દીપ પ્રાગટ્યથી થયો હતો. ત્યારબાદ યુનિવર્સિટીના કુલસચિવ ડો. અનિલભાઈ ગોર દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. કલા સંઘના પ્રમુખ દિલીપ રાજા કાપડીએ કચ્છ યુનિવર્સિટી સાથે થયેલા એમ.ઓ.યુ. બાદના આ પ્રથમ કાર્યક્રમને એક ઐતિહાસિક ઉપક્રમ ગણાવ્યો હતો. આ તકે કુલપતિ ડૉ. મોહનભાઈ પટેલે યુનિવર્સિટી વતી કચ્છી ભાષાના સંવર્ધન અને વિકાસ માટે પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

 

ડો. કોમલ મારા ગામનું ગૌરવ છે : સાંસદ વિનોદ ચાવડા

આ પ્રસંગે નખત્રાણા તાલુકાના સુખપર (રોહા) ગામના વતની અને જાણીતા કવિયત્રી અને શિક્ષિકા ડો. કોમલ સચદે લિખિત ઉચ્ચ શૈક્ષણિક સંશોધન ગ્રંથ ‘શિક્ષણામૃત’નું વિમોચન કરતાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ ભારે હર્ષ અને ગૌરવની લાગણી વ્યક્ત કરતા ખુલ્લા મનથી બિરદાવી હતી. એક જ ગામની પૃષ્ઠભૂમિ ધરાવતા હોવાનો ઉલ્લેખ કરી સાંસદશ્રીએ ગૌરવભેર જણાવ્યું હતું કે “ડો. કોમલ સચદે મારા સુખપર ગામનું ગૌરવ છે. તેમનું આ પુસ્તક શિક્ષણ જગતને એક નવી દિશા આપશે.” નોંધનીય છે કે ડો. કોમલ સચદેના પી.એચ.ડી. સંશોધન કાર્યમાં માર્ગદર્શક તરીકે મુંદરાની બી.એડ. કોલેજના પ્રોફેસર ડો. દિનેશભાઈ પટેલે મહત્વની ભૂમિકા ભજવી છે. ડાયેટ-ભુજના પ્રાચાર્ય ડો. દક્ષા મહેતાએ આ પુસ્તકને શિક્ષણ અને સાહિત્યના ગહન અભ્યાસનો સુંદર પરિપાક ગણાવ્યો હતો.

 

કચ્છી વાર્તા સંગ્રહ ‘ઓમાણ’ના હિન્દી અનુવાદ ‘અમાનત’નું વિમોચન 

આ જ મંચ પરથી માંડવી તાલુકાના લાયજા ગામના ખ્યાતનામ સર્જક વિશ્રામ ગઢવી ‘લાયજા’ના ૧૭માં પુસ્તકનું પણ ગૌરવપૂર્ણ વિમોચન કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૯ના સાહિત્ય કલા પુરસ્કારમાં ‘શ્રેષ્ઠ ગદ્ય પુસ્તક’ તરીકે સન્માનિત થયેલા તેમના લોકપ્રિય કચ્છી વાર્તા સંગ્રહ “ઓમાણ” નું રાષ્ટ્રભાષા હિન્દીમાં થયેલું રૂપાંતર “અમાનત” નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકનો હિન્દી અનુવાદ મુંબઈની એસ.એન.ડી.ટી. કોલેજના પ્રોફેસર સ્વ. ડો. માધુરીબેન છેડા દ્વારા કરવામાં આવ્યું હતું. કચ્છના સર્જકની સ્થાનિક કચ્છી વાર્તાઓ રાષ્ટ્રભાષા હિન્દીમાં અનુદિત થઈને રાષ્ટ્રીય ફલક પર પહોંચે તે સમગ્ર કચ્છ માટે ગૌરવની બાબત છે તેમ આઈ.ક્યુ.એ.સી.ના ડાયરેક્ટર ડો. કાશ્મીરા મહેતાએ જણાવ્યું હતું.

આ અવસરે પુસ્તકના લેખક વિશ્રામ ગઢવી ‘લાયજા’ અને ડો. કોમલ સચદેએ પોતાની સાહિત્ય સફરમાં સહયોગ આપનાર તમામ સહયોગીઓનો ભાવપૂર્વક ઋણ સ્વીકાર કર્યો હતો.

 

મહાનુભાવો અને શિક્ષણવિદોની પ્રેરક ઉપસ્થિતિ:

સાહિત્યિક ત્રિવેણી સંગમ સમાન આ કાર્યક્રમમાં નારાયણ જોશી ‘કારાયલ’, પૂર્વ સાંસદ પુષ્પદાનજી ગઢવી, દેવરાજભાઈ ગઢવી, રાજેન્દ્રસિંહ જાડેજા, રામભાઈ ગઢવી તેમજ મહંત વંકાનાથજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદ જોશી (ગોધરા) તથા ગોરધનભાઈ પટેલ વિશેષ સહયોગી રહ્યા હતા.

જ્યારે પ્રવિણ વીરા, પબુ ગઢવી ‘પુષ્પ’, ગૌતમ જોશી, ઝવેરીલાલ સોનેજી, હરેશ દરજી ‘કસબી’, અખિલેશ અંતાણી, બિહારીલાલ અજાણી અને ઈબ્રાહિમ લુહાર ‘ગુલશન’ વગેરે સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

યુનિવર્સિટીના પ્રોફેસરો ડો. પંકજ ઠાકર, ડો. ચેતના ગોર, ડો. અમિત ગામી, ડો. જીજ્ઞેશ રાઠોડ, ડો. શીતલ બાટી તેમજ સાહિત્ય કલા સંઘના કારોબારી સભ્યો ડો. રમેશ ભટ્ટ ‘રશ્મિ’, લહેરીકાંત ગરવા, રામજી જોશી ‘રામ’, કલાધર મુતવા અને કેતન ગઢવી વગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

 

આકર્ષક સંચાલન અને પુસ્તક ભેટ:

સમગ્ર કાર્યક્રમનું સુંદર અને રસપ્રદ સંચાલન ગુજરાતી ભાષા ભવનના અધ્યક્ષ ડો. તીર્થંકર રોહડિયાએ કર્યું હતું જ્યારે અંતમાં આભારદર્શન કલા સંઘના મંત્રી રાજેન્દ્રસિંહ પલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ મંગલ અવસરે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ સાહિત્યપ્રેમીઓને વી.આર.ટી.આઈ.ના સૌજન્યથી લેખક હરેશ ધોળકિયા લિખિત પ્રેરણાદાયી પુસ્તક ‘વિઝનની કેળવણી’ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. કાર્યક્રમની ખુશી વ્યક્ત કરતા મુંબઈના જાણીતા એડવોકેટ અને સોલીસીટર પ્રવીણભાઈ વીરા દ્વારા ઉપસ્થિત સૌને કચ્છી પેંડાનું પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું.

 

(અહેવાલ અને તસ્વીર સૌજન્ય : પી.એચ.ડી. ના સ્કોલર સ્ટુડન્ટ તિતિક્ષા ઠક્કર, રતાડીયા)

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!