
ભક્તિ અને સેવાની આગવી પરંપરા અને ઇતિહાસ ધરાવતા પરબધામ ખાતે અષાઢી બીજના મહોત્સવમાં ઊર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયા સહભાગી બન્યા હતા.ઉર્જા રાજ્ય મંત્રીશ્રીએ અષાઢી બીજના પાવન પર્વે પરબધામ ખાતે મહાઆરતીમાં ભાગ લીધો હતો તેમજ સંત શ્રી દેવીદાસ બાપુ, અમર માં સહિતના સંતોના સમાધિ સ્થાનકોએ શીશ નમાવી ભાવપૂર્વક દર્શન કર્યા હતા.આ મુલાકાત દરમિયાન ઊર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ પરબધામના પરમ પૂજ્ય મહંત શ્રી કરસનદાસ બાપુ સાથે મુલાકાત કરી તેમના આશીર્વાદ મેળવ્યા કર્યા હતા. આ સાથે જ તેમણે પરબધામની વર્ષો જૂની અને અવિરત ચાલતી લોકસેવાની પરંપરાના સંદર્ભમાં સત્સંગ કર્યો હતો.રાજ્યમંત્રીશ્રીએ આ મુલાકાત દરમિયાન શ્રી મુક્તાનંદ બાપુ અને શ્રી શેરનાથ બાપુના પણ આશીર્વાદ મેળવ્યા હતા. અવિરત સદાવ્રત માટે જાણીતા પરબધામ ખાતે ભોજન સેવાનું અનેરું મહત્વ છે. ઊર્જા રાજ્ય મંત્રીશ્રીએ અહીં ભોજન સેવા આપી રહેલા સ્વયંસેવકો વચ્ચે જઈને તેમની નિઃસ્વાર્થ સેવા ભાવનાને બિરદાવી હતી. તેમણે પોતે પણ ભોજન સેવામાં જોડાઈને એક સ્વયંસેવકની જેમ શ્રદ્ધાળુઓને ભાવપૂર્વક પ્રસાદ પીરસ્યો હતો. આ ઉપરાંત, તેમણે રસોડા વિભાગની મુલાકાત લઈ સ્વયંસેવકો સાથે રોટલી શેકવા સહિતની પ્રત્યક્ષ સેવા પણ કરી હતી. ઉર્જા રાજ્ય મંત્રીશ્રીની સાથે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢના મેયર ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, મનન અભાણી, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, અતુલભાઇ કાનાણી સહિતના અગ્રણી પદાધિકારીઓ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, દાયકાઓ પહેલાં સંત શ્રી દેવીદાસ બાપુ અને અમર માં સહિતના પૂજ્ય સંતોએ પરબધામની પવિત્ર ભૂમિ પર તત્કાલીન સમયમાં સમાજ દ્વારા બહિષ્કૃત કરાયેલા રક્તપિત્તના દર્દીઓની સેવા-સુશ્રુષા કરવા તેમજ ભૂખ્યાને ભોજન આપવાની પરંપરા શરૂ કરી હતી.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ








