MORBI:મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ

MORBI:મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ; જનહિતના પ્રશ્નો અને પ્રગતિ હેઠળના વિકાસ કામોની સઘન સમીક્ષા કરાઇ
રોડ રિપેરિંગ, વરસાદી પાણી-ગંદકીનો નિકાલ, રમતનું મેદાન અને રેલવે ઓવરબ્રિજ સહિતની રજૂઆતો બાબતે હકારાત્મક અભિગમ સાથે ચર્ચા વિચારણા કરાઈ
કલેક્ટરશ્રીએ iORA પોર્ટલ પર જમીન માંગણીની અરજીઓ અંગે આપી જરૂરી સૂચનાઓ
પુરવઠા સલાહકાર સમિતિ અને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠકો પણ યોજાઈ
મોરબી જિલ્લામાં સરકારી સેવાઓ વધુ સુદ્રઢ, ઝડપી અને લોકાભિમુખ બને તે હેતુથી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ વહીવટી પ્રક્રિયાને વધુ વેગ આપવા માટે ‘ઈ-સરકાર’ના અસરકારક અમલીકરણની સમીક્ષા કરી હતી અને વિવિધ વિભાગોમાં પેન્ડિંગ રહેલી ફાઈલોનો ત્વરિત નિકાલ કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત, વિવિધ સરકારી અને જનકલ્યાણના વિકાસલક્ષી કામો માટે જરૂરી જમીનની માપણી અને ફાળવણી માટે iORA પોર્ટલ પર મળેલી અરજીઓની વર્તમાન સ્થિતિની સઘન સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ સંકલન બેઠકમાં લોકસુખાકારી અને આંતરમાળખાકીય સુવિધાઓને લગતા અગત્યના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા હાથ ધરાઈ હતી. જેમાં ચોમાસાના વરસાદી પાણીનો નિકાલ, ગંદકીની સમસ્યાનું નિવારણ, રમત-ગમતનું નવું મેદાન બનાવવા તેમજ રેલવે ઓવરબ્રિજની મંજૂરી અંગે સકારાત્મક વિચારણા કરવામાં આવી હતી. આ સાથે જ, ઔદ્યોગિક વિકાસ અર્થે મીઠા અને બ્રોમીનના ઉત્પાદન માટે જમીનની માંગણી અંગેની રજૂઆતોની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. મોરબી-હળવદ રોડ અને રવાપર-ઘુનડા-જડેશ્વર નવા રોડ પર થયેલા નુકસાન અને તે રસ્તાઓના રિપેરિંગ અંગે રજૂ થયેલા પ્રશ્નોની નોંધ લઈ કલેક્ટરશ્રીએ અગ્રતાના ધોરણે આ માર્ગોનું સમારકામ હાથ ધરવા સહિતની સૂચનાઓ સબંધિત વિભાગને આપી હતી.
આ સંકલન બેઠકની સાથે-સાથે જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થા વધુ પારદર્શક અને સુદ્રઢ બને તે માટે કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં ‘જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિ’ ની બેઠક પણ યોજાઈ હતી. જેમાં સસ્તા અનાજની દુકાનો દ્વારા કાર્ડધારકોને અપાતા રાશન, વિતરણ વ્યવસ્થાની ગુણવત્તા તથા પીએમ પોષણ યોજનાની કામગીરી સહિતની બાબતે હકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠકમાં યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળના કામો તથા અન્ય મહત્વના પ્રવાસન સ્થળોના વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ગીતાબેન દુબરીયા, ટંકારાના ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, હળવદ ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા, વાંકાનેરના ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદ્યાસાગર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષકશ્રી ડૉ. સુનિલ બેરવાલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નવલદાન ગઢવી, મોરબી પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ સહિત જિલ્લાના વહીવટી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.










