Rajkot: હવામાનની અનિયમિતતા, વરસાદની ખેંચની સ્થિતિમાં રાજકોટ જિલ્લાના ખેડૂતો માટે ખાસ માર્ગદર્શિકા જાહેર

તા.૧૭/૭/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
જિલ્લામાં ૪.૫૬ લાખ હેક્ટરના ખરીફ વાવેતર પર જોખમ ટાળવા ટૂંકા ગાળાના પાકો લેવા સહિતની સલાહો જારી
Rajkot: ચાલુ ખરીફ સિઝનમાં હવામાનની અનિયમિતતા અને વરસાદની ખેંચની સ્થિતિમાં પાકને બચાવવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા ખેડૂતો માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાવણી લાયક વરસાદ મોડો થાય અથવા બે વરસાદ વચ્ચેનો સમયગાળો લંબાય ત્યારે લેવાના થતા કૃષિ પગલાં અંગે વિસ્તૃત વિગતો જારી કરવામાં આવી છે.
જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવ્યા અનુસાર, રાજકોટ જિલ્લામાં હાલ ખરીફ સિઝનમાં કુલ ૪,૫૬,૦૭૦ હેક્ટરમાં વાવેતર થયું છે. આ વાવેતરમાં મુખ્યત્વે મગફળી, કપાસ, સોયાબીન, તુવેર, મગ, અડદ, શાકભાજી અને ઘાસચારાના પાકોનો સમાવેશ થાય છે. હાલમાં વરસાદની ખેંચ ઉભી થઈ હોવાથી ખેડૂતોએ પાક બચાવવા માટે વિશેષ સાવચેતી રાખવી જરૂરી બની છે.
જુલાઈના પ્રથમ પખવાડિયામાં વાવણી લાયક વરસાદ થાય તો ખેડૂતોએ વેલડી જાતની મગફળી અને લાંબાગાળાની પાકતી કપાસની જાતોને બદલે ઉભડી મગફળી અને ટૂંકા ગાળાની કપાસની જાતો વાવવી જોઈએ. આ સિવાય તલ, મગ, અડદ, તુવેર અને એરંડા જેવા પાકોનું વાવેતર કરવું હિતાવહ છે.
ટૂંકા ગાળા માટે પાકની જાતો
ટૂંકા ગાળે પાકતી જાતોમાં ઉભડી મગફળી માટે જીજી-૨, જીજી-૫, જીજેજી-૯, જીજી-૩૫, ટીએજી-૨૪, જીજી-૩૯, જીજી-૪૦ અને ટીજી-૩૭ એ નો ઉપયોગ કરી શકાય.
તલ માટે ગુજરાત તલ-૧, ૨, ૩, ૪, ૭ અને ગુજરાત જૂનાગઢ તલ-૫ તથા ૬નું વાવેતર કરવું.
એરંડા માટે જીએયુસીએસ-૧, જીસી-૩, જીસીએસ-૬, ૭ અને ૯ તથા હાઇબ્રિડ બાજરી માટે જીએચબી-૫૩૮, ૫૭૭, ૭૧૯, ૭૪૪, ૭૩૨, ૧૧૨૯, ૧૨૨૫ અને ૧૨૩૧ જેવી જાતો પસંદ કરવી.
મગ માટે ગુજરાત મગ-૪, ૧૦ અને ગુજરાત આણંદ મગ-૫ તથા ૮ તેમજ અડદ માટે ટી-૯, ગુજરાત અડદ-૧ અને ૨નું વાવેતર કરવું.
તુવેરના પાક માટે બીડીએન-૨, આઈસીપીએલ-૮૭, વૈશાલી, ગુજરાત તુવેર-૧૦૦, ૧૦૧ અને ગુજરાત જૂનાગઢ તુવેર-૧ અનુકૂળ રહેશે.
ચોમાસું વધુ મોડું થાય તો લેવાના પગલાંઃ
જો ચોમાસું વધુ મોડું બેસે અને જુલાઈના અંતમાં વાવણી લાયક વરસાદ થાય તો ઘાસચારાના પાકો જેવા કે મકાઈ, ગુંદરી જુવાર, સોલાપુરી જુવાર તેમજ દિવેલા અને તલ પૂર્વા-૧નું વાવેતર કરવું જોઈએ. આ સ્થિતિમાં ઉભડી મગફળી માત્ર બિયારણ પૂરતી જ વાવવી હિતાવહ છે.
જો વાવણી લાયક વરસાદ ઓગસ્ટની શરૂઆતમાં પડે તો મગફળી અને બાજરી વાવવાનું સંપૂર્ણ બંધ રાખવું અને તેના બદલે ઘાસચારાના પાકો તેમજ દિવેલા કે તલ પૂર્વા-૧નું વાવેતર કરવું.
તા.૧૫ ઓગસ્ટથી ૩૦ ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ થાય તો જુવાર અને મકાઈ જેવા ચારાના પાકો અથવા એરંડા (જીએયુસીએચ-૧) કે તલ પૂર્વા-૧નું વાવેતર કરવાની સલાહ આપવામાં આવી છે.
બે વરસાદ વચ્ચે ગાળો લંબાય ત્યારે શું કરવું?
બે વરસાદ વચ્ચેનો ગાળો લંબાય ત્યારે પિયતની સગવડતા ધરાવતા ખેડૂતોએ પાકની કટોકટીની અવસ્થાએ પિયત આપવું જોઈએ.
સમયસર આંતર ખેડ કરવી અને જમીનમાં રહેલા ભેજ અને પોષક દ્રવ્યોનો વ્યય અટકાવવા માટે નિંદામણનો સંપૂર્ણ નાશ કરવો.
શક્ય હોય ત્યાં જમીન પર મલ્ચિંગ (આવરણ) કરવું.
મગફળી અને કપાસના પાકમાં ૪% કેઓલીનના (૪૦૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી) દ્રાવણનો છંટકાવ કરવો.
ઉભડી મગફળીમાં યોગ્ય સમયે પાળા ચડાવવા.
જો વરસાદનો ગાળો વધારે લંબાય તો હારમાં પારવણી કરીને છોડની સંખ્યા ઓછી કરી દેવી જોઈએ.
આગળનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો હોય તો તેવા કિસ્સામાં ઘાસચારાના પાકોનું વાવેતર કરવું.
આબોહવા પરિવર્તન અનુસાર લાંબાગાળાના પાક આયોજન
ખેડૂતોએ હવે પાણીની કાર્યક્ષમ સિંચાઈ પર ધ્યાન કેન્દ્રિત કરીને ટપક સિંચાઈ અને સૂક્ષ્મ-ફુવારા જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ.
જમીનનું ધોવાણ અટકાવવા માટે જમીનનું સમતળીકરણ, સમોચ્ચ ખેડાણ, ટેરેસિંગ અને કવર પાક જેવા માટી સંરક્ષણના પગલાં લેવા જોઈએ.
બદલાતી આબોહવા સામે ટકી શકે તેવી આબોહવા-સ્થિતિસ્થાપક જાતો પસંદ કરવી.
સમયસર વાવણી કરવી, જેથી પાકનું અંકુરણ યોગ્ય રીતે થાય અને તે દુષ્કાળના સમયગાળાથી બચી શકે.
ઓછા પાણીની જરૂરિયાતવાળા અને જમીનની ફળદ્રુપતા વધારતા કઠોળ જેવા વૈકલ્પિક પાકોનો વિચાર કરવો.
હવામાનની આગાહીઓ પર સતત દેખરેખ રાખીને ખેતી પદ્ધતિ બદલવી.
જીવાત અને રોગના નુકસાનને ઘટાડવા માટે સંકલિત જીવાત અને રોગ વ્યવસ્થાપન વ્યુહરચનાઓનો અમલ કરવો.



