GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના શિક્ષકનો અનોખો જ્ઞાનયજ્ઞ: વેકેશનમાં 12 થી 80 વર્ષના ઉત્સાહીઓએ 100 સંસ્કૃત સુભાષિતો કંઠસ્થ કર્યા

 

MORBI:મોરબીના શિક્ષકનો અનોખો જ્ઞાનયજ્ઞ: વેકેશનમાં 12 થી 80 વર્ષના ઉત્સાહીઓએ 100 સંસ્કૃત સુભાષિતો કંઠસ્થ કર્યા

 

ગાંધીનગર સંસ્કૃત બોર્ડની ‘શતસુભાષિતપંડિત’ યોજનાને વેગ આપવા મોરબીના શિક્ષક ધવલભાઈ ખાંડેકાએ ઓનલાઈન વર્ગો ચલાવ્યા: ગુજરાત સહિત મુંબઈના 17 સહભાગીઓએ માત્ર બે માસમાં મેળવી સિદ્ધિ.

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે વર્ષ 2025થી એક વિશેષ પહેલ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત સંપૂર્ણ ભગવદ્દગીતા યાદ કરનારને ‘गीताभूषणः’ અને સંસ્કૃતના અમૂલ્ય રત્ન સમાન 100 સુભાષિતો મોઢે કરનારને ‘शतसुभाषितपण्डितः’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આ પરંપરાને આગળ ધપાવવા અને નવી પેઢીને પ્રેરણા આપવા માટે મોરબીના એક સંસ્કૃત શિક્ષકે વેકેશન દરમિયાન અનોખો જ્ઞાનયજ્ઞ આદર્યો હતો.

મોરબીની ધી વી. સી. ટેકનિકલ હાઇસ્કુલમાં સંસ્કૃત શિક્ષક તરીકે ફરજ બજાવતા ધવલભાઈ ખાંડેકાએ ગત વર્ષે ગાંધીનગર મુકામે શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા અને સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલીવાલજીના હસ્તે ઉપરોક્ત બંને રાજ્યકક્ષાના એવોર્ડ મેળવ્યા હતા. પોતે મેળવેલી આ સિદ્ધિ અન્ય લોકો પણ પ્રાપ્ત કરે તેવા શુભ આશય સાથે તેમણે મે 2026ના વેકેશન દરમિયાન ગૂગલ મીટ (Google Meet) ના માધ્યમથી ઓનલાઈન અભ્યાસ વર્ગ શરૂ કર્યા હતા.

આ અનોખા વર્ગની વિશેષતા એ હતી કે તેમાં ઉંમરનો કોઈ બાધ નહોતો. 12 વર્ષના બાળકથી લઈને 80 વર્ષના વડીલો સહિત 30થી વધુ પ્રતિભાગીઓ આ જ્ઞાનયજ્ઞમાં જોડાયા હતા. માત્ર બે માસના ટૂંકા ગાળામાં સખત પરિશ્રમ કરીને 17થી વધુ સહભાગીઓએ 100 સુભાષિતો સંપૂર્ણ કંઠસ્થ (યાદ) કરી લીધા છે.

આ ઓનલાઈન વર્ગમાં માત્ર મોરબી જ નહીં, પરંતુ ગુજરાતના વિવિધ શહેરો અને મુંબઈથી પણ લોકો જોડાયા હતા:સુરત: સુરેશભાઈ ગાંધી, અમિતાબેન શુક્લા, હિરણ્યાબેન શુક્લા, શીતલબેન મુનીમ, અનસૂયાબેન શાહ અને મુસ્કાન શાહ.,અમદાવાદ: જાગૃતિબેન ઠાકર અને રેની પંચાલ.,રાજકોટ: ગીતાબેન પટવારી, જ્યોત્સનાબેન આભાની, ચૌહાણ સેજલ અને ફાતેમા પ્રેસવાલા.,બોટાદ: ચૌહાણ ચંદન, ચૌહાણ તેજલ, ચૌહાણ અક્ષિતા, ચૌહાણ દીપિકા, રાઠોડ રિદ્ધિ અને રાઠોડ પૂજા.,મોરબી: દ્રષ્ટિ ત્રિવેદી અને દૂર્વા વરણવા.,ડાકોર: આરાધ્યા રાજગોર.,મુંબઈ: હિશા જોશી.

આ વર્ગમાં પ્રાથમિક, માધ્યમિક અને કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત સંસ્કૃતપ્રેમી સદ્ગૃહસ્થો પણ જોડાયા હતા. આ તમામ ઉત્સાહીઓ ચાલુ વર્ષે યોજાનારી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ ‘शतसुभाषितपण्डितः’ ની સત્તાવાર ડીગ્રી મેળવશે. શિક્ષક ધવલભાઈ ખાંડેકાએ આ સફળતાનો તમામ શ્રેય પોતાના માતા-પિતા, ગુરુજનો, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને સંસ્કૃત સમાજને અર્પણ કર્યો છે. સંસ્કૃત ભાષાના ઉત્થાન માટેનો મોરબીનો આ પ્રયાસ સમગ્ર રાજ્યમાં પ્રશંસા પામી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!