HALVAD:હળવદ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રીનું રાજીનામું: ટૂંકા સમયમાં જ પદ છોડતા તર્ક-વિતર્ક

HALVAD:હળવદ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રીનું રાજીનામું: ટૂંકા સમયમાં જ પદ છોડતા તર્ક-વિતર્ક
મોરબી જિલ્લાના હળવદ તાલુકા રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હળવદ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી ડૉ. ચતુરભાઈ ચરમારીએ પોતાના હોદ્દા પરથી અચાનક રાજીનામું ધરી દેતા સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે. પક્ષ દ્વારા થોડા સમય પહેલાં જ તેમની મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી, જેથી આ આકસ્મિક રાજીનામાને પગલે અનેક તર્ક-વિતર્કો વહેતા થયા છે.
મળતી માહિતી મુજબ, ડૉ. ચતુરભાઈ ચરમારીએ પોતાનું રાજીનામું આપવા પાછળ કોઈ પક્ષીય નારાજગી નહીં, પરંતુ સામાજિક કારણ દર્શાવ્યું છે. તેઓ કોળી સમાજના સામાજિક સંગઠનને વધુ મજબૂત અને વેગવંતું બનાવવા માંગે છે. સામાજિક કાર્યોમાં પૂરેપૂરું ધ્યાન આપી શકાય તે હેતુથી તેમણે રાજકીય પદ પરથી મુક્ત થવાનો નિર્ણય કર્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ડૉ. ચતુરભાઈ ચરમારી હાલમાં ગુજરાત ચુવાળીયા કોળી સમાજના પ્રવક્તા તરીકેની મહત્વની જવાબદારી સંભાળી રહ્યા છે. સામાજિક સ્તરે તેમની સક્રિયતા ખૂબ મોટી છે, ત્યારે હવે તેઓ સંગઠનને વધુ સુદ્રઢ કરવા માટે જમીની સ્તરે કામ કરશે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ભાજપ દ્વારા હજુ થોડા સમય પહેલાં જ ડૉ. ચતુરભાઈને મહામંત્રી પદની મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. આ જાહેરાતના ટૂંકા ગાળામાં જ તેમણે અચાનક રાજીનામું આપી દેતા રાજકીય ગલિયારાઓમાં આ નિર્ણયને લઈ જાતભાતની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.








