મહીસાગર જિલ્લામાં ‘કેચ ધ રેઈન’ અભિયાન હેઠળ જળ સંચયની વ્યાપક ઝુંબેશ: વહીવટી તંત્ર દ્વારા જળ સંરક્ષણ માટે નક્કર આયોજન

રિપોર્ટર …
અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જિલ્લામાં ‘કેચ ધ રેઈન’ અભિયાન હેઠળ જળ સંચયની વ્યાપક ઝુંબેશ: વહીવટી તંત્ર દ્વારા જળ સંરક્ષણ માટે નક્કર આયોજન
***
જળ શક્તિ મંત્રાલયના અભિગમને સાર્થક કરતું મહીસાગર: સરકારી કચેરીઓ અને શાળાઓમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સનું નિર્માણ
***

મહીસાગર,૧૭ જુલાઇ: જળ એ જીવનનો આધાર છે તે સૂત્રને સાર્થક કરવા અને વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ દ્વારા ભૂગર્ભ જળસ્તર વધારવાના ઉમદા હેતુથી ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવેલા “કેચ ધ રેઈન – વ્હેર ઇટ ફોલ્સ, વ્હેન ઇટ ફોલ્સ” અભિયાન અંતર્ગત મહીસાગર જિલ્લામાં નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં વરસાદી પાણીના સંચય માટે અસરકારક આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનને સફળ બનાવવા માટે જિલ્લા શિક્ષણાઘિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા શાળાઓ અને સ્થાનિક સંસ્થાઓના સહયોગથી જળ સંરક્ષણની કામગીરીને વેગ આપવામાં આવી રહ્યો છે.
મહીસાગર જિલ્લામાં આ અભિયાન હેઠળ ખાસ કરીને સરકારી કચેરીઓ, શાળાઓ, આંગણવાડીઓ અને ગ્રામ પંચાયત કચેરીઓ જેવી જાહેર સંસ્થાઓમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરના નિર્માણને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જે સ્થળોએ જૂના માળખાઓ અસ્તિત્વમાં છે ત્યાં તેનું સમારકામ કરીને તેને કાર્યરત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જિલ્લાના જળ સ્ત્રોતોને પુનર્જીવિત કરવાના હેતુથી ચેકડેમ, તળાવો, કૂવા અને પરંપરાગત જળસ્ત્રોતોના પુનઃનિર્માણની કામગીરી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેથી ચોમાસા દરમિયાન પડતા વરસાદના ટીપે ટીપાનો સંગ્રહ કરી શકાય.
માળખાગત સુવિધાઓના નિર્માણની સાથે સાથે ગ્રામજનોમાં જળ બચાવ અંગે વ્યાપક જાગૃતિ લાવવા માટે મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જળ સંરક્ષણના સંદેશને જન-જન સુધી પહોંચાડવા માટે જિલ્લાની શાળાઓ અને સંસ્થાઓ દ્વારા જનજાગૃતિ રેલીઓ, જળ રક્ષાના શપથ ગ્રહણ, વૃક્ષારોપણ અને વિવિધ પ્રચારાત્મક અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. આ પ્રવૃત્તિઓમાં પ્રાથમિક, માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક રહીશો ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે.
મહીસાગર જિલ્લામાં જળ સંચયના આ અભિયાનનો મુખ્ય હેતુ પાણીની ઉપલબ્ધતા વધારી કૃષિ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો અને ભાવિ પેઢી માટે જળસંપત્તિનું સંરક્ષણ કરવાનો છે. જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓ સાથે સંકલન સાધીને કરવામાં આવી રહેલી આ કામગીરીથી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને શુદ્ધ અને ઠંડુ પીવાનું પાણી મળી રહે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્રના આ સુનિયોજિત પ્રયાસોથી જિલ્લાના ભૂગર્ભ જળસ્તરમાં સુધારો થશે અને પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં જળ સુરક્ષા સુનિશ્ચિત થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.




