આણંદ ખાતે ચોમાસા દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેવું આયોજન કરવા સૂચના

તાહિર મેમણ – આણંદ – 18/07/2026 – આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી,આણંદના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીએ નાગરિકોની સુખાકારી સાથે જોડાયેલા અનેક મહત્વના વિષયો અને કામગીરી વિશે સમીક્ષા કરી જરૂરી બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું. જેમાં વીજ કંપની (MGVCL), માર્ગ અને મકાન, સિંચાઈ, આરોગ્ય, વન વિભાગ, નગરપાલિકા, કાંસ વિભાગ તથા ઔદ્યોગિક વિકાસ અને ખાણ-ખનીજ વિભાગ સહિત વિવિધ વિભાગોને સ્પર્શતી બાબતોનો સમાવેશ કરાયો હતો. આ તમામ પ્રજાલક્ષી પ્રશ્નો અંગે સંબંધિત વિભાગોને સત્વરે અને યોગ્ય કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા સ્પષ્ટ સુચનો આપવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લાના જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા લોકહિતના વિવિધ મુદ્દાઓ પર ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ચોમાસા દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે જોવા ખાસ અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત ખરાબ રસ્તાનું સમારકામ કરવા, સરકારી કચેરીઓમાં સમય મર્યાદામાં નાગરિકોની અરજીઓનો સકારાત્મક અભિગમ સાથે ઝડપી નિકાલ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત, નવા વીજ કનેક્શનની પડતર અરજીઓ અંગે સત્વરે કાર્યવાહી કરવા તેમજ જિલ્લામાં વીજકાપ અને ઓવરલોડની સમસ્યા નિવારવા નવા ટ્રાન્સફોર્મરની માંગણી અંગે યોગ્ય કાર્યવાહી કરવા, વીજ વિભાગના કંટ્રોલ રૂમને ચોવીસ કલાક કાર્યરત રાખવા, પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા, રસ્તાઓ પરથી ઝાડનું ટ્રેમિંગ કરવા, દબાણ દૂર કરવા અંગે, નવીન જીઆઇડીસી અર્થે સત્વરે કામગીરી હાથ ધરવા, કાંસની સાફ સફાઇ કરવા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.




