
સાગબારાના કાકરપાડા ડબલ મર્ડર કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, પતિ જ નીકળ્યો પત્નીનો હત્યારો,
વાતાલ્યમ સમાચાર
પ્રતિનિધી : જેસિંગ વસાવા
સાગબારા, તા. 18 જુલાઈ:નર્મદા જિલ્લાના સાગબારા પોલીસ સ્ટેશન હદના કાકરપાડા ગામમાં બનેલા ડબલ મર્ડરના ગંભીર અને ચકચારી કેસનો ભેદ નર્મદા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીની ધરપકડ કરી છે.
નર્મદા જિલ્લામાં ગંભીર પ્રકારના ગુનાઓને અંકુશમાં રાખવા તથા અનડિટેક્ટ ગુનાઓનો ઝડપી ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ રાજપીપલા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.બી. દેવધાના સુપરવિઝનમાં એલ.સી.બી., એસ.ઓ.જી., એ.એચ.ટી.યુ., પેરોલ-ફર્લો સ્ક્વોડ તેમજ સાગબારા પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
ઘટના મુજબ, તા. 15-16 જુલાઈ, 2026ની રાત્રે કાકરપાડા ગામમાં પોતાના ઘરે સૂતેલી 21 વર્ષીય ધનુક્ષાબેન સાવજભાઈ વસાવા પર અજાણ્યા ઇસમ દ્વારા ધારદાર હથિયારથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેમની ઘટનાસ્થળે જ હત્યા થઈ હતી, જ્યારે તેમની સાથે સૂતેલી ગંગાબેનને પણ ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. સારવાર દરમિયાન ગંગાબેનનું પણ અવસાન થતાં સમગ્ર ઘટના ડબલ મર્ડરમાં પરિણમી હતી.
આ ગંભીર ગુનાની તપાસ દરમિયાન પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ તથા અલગ-અલગ શકમંદોની પૂછપરછ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે મૃતક ધનુક્ષાબેનના પતિ સાજનભાઈ કુંવરસીંગભાઈ વસાવા (રહે. સોરાપાડા, તા. સાગબારા)ની સઘન પૂછપરછ કરવામાં આવતા તેણે ગુનો કબૂલ કર્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે છેલ્લા બે વર્ષથી તે ઘર-જમાઈ તરીકે કાકરપાડા ખાતે સાસરીમાં રહેતો હતો. પતિ-પત્ની વચ્ચે ઘરેલુ ઝઘડા અને મનદુઃખના કારણે અવારનવાર તકરાર થતી હતી. ઘટનાના દિવસે ગામમાં બારમાની વિધિ નિમિત્તે ભજન કાર્યક્રમ યોજાયો હતો. પરિવારના સભ્યો ભજનમાં ગયા બાદ પત્ની ધનુક્ષાબેન, છ માસની પુત્રી આરાધ્યા અને ગંગાબેન ઘરે સૂતા હતા. આ દરમિયાન આરોપીએ કુહાડી વડે પત્ની અને ગંગાબેન પર હુમલો કરી બંનેની નિર્મમ હત્યા કરી હતી અને ત્યારબાદ ફરી ભજન કાર્યક્રમમાં જઈ પોતાને નિર્દોષ દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપીની કબૂલાતના આધારે ગુનામાં વપરાયેલ કુહાડી કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ડબલ મર્ડર કેસનો ટૂંકા સમયમાં સફળતાપૂર્વક ભેદ ઉકેલી આરોપીને કાયદાના સકંજામાં લાવતાં નર્મદા પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.




