MORBI:વીજ લાઇન સંદર્ભે ખેડૂતોને વળતર આપવા માટે મળશે ‘માર્કેટ રેટ કમિટી’: મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ ખેડૂત પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી

MORBI:વીજ લાઇન સંદર્ભે ખેડૂતોને વળતર આપવા માટે મળશે ‘માર્કેટ રેટ કમિટી’: મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ ખેડૂત પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી
સરકારના નવીન પરિપત્રથી ખેડૂતોને થનારા આર્થિક ફાયદા અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા અપાયું વિસ્તૃત માર્ગદર્શન
મોરબી જિલ્લામાં વીજ લાઇન પસાર થવાના કારણે અસરગ્રસ્ત થતા ખેડૂતોને જમીનનું યોગ્ય અને પારદર્શક વળતર મળી રહે તે હેતુથી સરકાર દ્વારા લેવાયેલા ખેડૂતલક્ષી નિર્ણયોના સુચારુ અમલીકરણ માટે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને ખેડૂત પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી.
કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં સ્થાનિક પદાધિકારીઓ, ખેડૂત આગેવાનો અને પ્રતિનિધિઓ સાથે વિસ્તૃત પરામર્શ કરવામાં આવ્યો હતો. બેઠકમાં જૂની પદ્ધતિની સરખામણી એ સરકારના નવા પરિપત્ર અનુસાર બજાર કિંમત નક્કી કરવાની પદ્ધતિઓ અને તેનાથી ખેડૂતોને થનારા આર્થિક ફાયદાની વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી.
બેઠકમાં માર્ગદર્શન આપતા મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, વીજ લાઇનની કામગીરી ભવિષ્યના ઔદ્યોગિક અને ગ્રામ્ય વિકાસ માટે અનિવાર્ય છે, ત્યારે ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે વર્તમાન સરકાર અત્યંત સંવેદનશીલ છે. સરકારે ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ થાય તેવા ઐતિહાસિક નિર્ણયો લીધા છે, જેને જમીની સ્તરે પહોંચાડવા માટે ખેડૂત પ્રતિનિધિઓ તાલુકાવાર જાગૃતિ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે તે જરૂરી છે.
આ તકે જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેએ સ્પષ્ટ કર્યું હતું કે, તમામ વીજ કંપનીઓને ખેડૂતો સાથે સંપૂર્ણ સંવેદનશીલતાપૂર્વક વર્તવા માટેની સુચના આપવામાં આવી છે. કલેક્ટરશ્રીએ ઉમેર્યું કે, વળતર કે અન્ય બાબતે પ્રશ્ન ધરાવતા ખેડૂતો કોઈપણ સંકોચ વિના સંબંધીત મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરી શકે છે,
જેનો તંત્ર દ્વારા સત્વરે હકારાત્મક નિકાલ લાવવામાં આવશે.
આ બેઠકમાં વાંકાનેરના ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદ્યાસાગર, નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી વિપુલભાઈ ગરચર, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી મનીષભાઈ કાંજીયા તેમજ વિવિધ રાજકીય અગ્રણીઓ, જિલ્લાના ખેડૂત આગેવાનો અને પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.









