Rajkot: રાજકોટ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં યોજાઈ

તા.૧૮/૭/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટમાં આઈ.ટી. પાર્ક માટે રૈયા સ્માર્ટસિટીમાં ૧૦ હજાર ચો.મી. જમીન ફાળવાય
શાપર સી.એચ.સી.માં દર બુધવારે વધારાના ડૉક્ટર, સ્ટાફ મૂકવા જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના
Rajkot: આજે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં તથા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયાની ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાય હતી. જેમાં લોકપ્રતિનિધિઓ તરફથી વિવિધ પ્રશ્નો રજૂ થયા હતા, જેનો સમયમર્યાદામાં નિકાલ લાવવા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ પી.જી.વી.સી.એલ.ના વોટ્સએપ ફરિયાદ નંબર, લગ્ન બાદ આધારકાર્ડમાં નામ સુધારવામાં થતા પ્રશ્નો, શાપર સી.એચ.સી.માં સ્ટાફની ઘટ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. જેના જવાબમાં જણાવાયું હતું કે, પી.જી.વી.સી.એલ.ના વોટ્સએપ ફરિયાદ નંબરમાં મેટા સાથે કેટલીક પોલિસીને લગતા પ્રશ્નો છે, જેને હલ કરવાની પ્રક્રિયા ચાલુ છે. આધારકાર્ડ અપડેટ માટે બારકોડવાળા સર્ટિ. સિવાયના પ્રમાણપત્રોની ઓથેન્ટિસિટી ચકાસીને તેને અપડેટ કરવા માટેની વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી હતી. આ સાથે શાપર સી.એચ.સી.માં દર બુધવારે દર્દીઓની વધુ ભીડ રહેતી હોવાથી ત્યાં વધારાના ડોક્ટર સહિતનો સ્ટાફ મૂકવાની સૂચના કલેક્ટરશ્રી દ્વારા આપવામાં આવી હતી.
ધારાસભ્યશ્રી ડૉ. દર્શિતાબહેન શાહે વોટસન મ્યુઝિયમ રિનોવેશન, આઈ.ટી. પાર્ક., પી.ડબલ્યુ.ડી.ના જર્જરિત ક્વાર્ટર્સ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. જેના જવાબમાં જણાવાયું હતું કે, વોટસન મ્યુઝિયમના ડિઝાઈનિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ફાઈનલ પ્રોજેક્ટ ગાંધીનગર મોકલી આપવામાં આવ્યો છે. રાજકોટમાં આઈ.ટી. પાર્ક માટે રૈયા સ્માર્ટસિટીમાં ૧૦ હજાર ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી છે. જ્યારે જર્જરિત ક્વાર્ટર્સના ડિમોલિશન માટેની પ્રક્રિયા ચાલી રહી હોવાનું જણાવાયું હતું.
આ બેઠકમાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તથા ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા તરફથી આવેલા પ્રશ્નો ચર્ચામાં લેવામાં આવ્યા હતા. જેના નિકાલ માટે ઝડપથી કામગીરી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં ક્લેક્ટરશ્રીએ તમામ અધિકારીઓને કચેરીમાં વીજ બચત કરવા જરૂરી તમામ પગલાં લેવા, કચેરીના શિષ્ટાચારનું પાલન કરવા, સ્વચ્છતા જાળવવા સૂચના આપી હતી.
ઉક્ત બેઠકમાં રાજકોટ ગ્રામ્ય પોલીસવડા શ્રી વિજયસિંહ ગુર્જર, નાયબ પોલીસ અધિક્ષક ઝોન-૨ શ્રી રાકેશ દેસાઈ, ડી.આર.ડી.એ. નિયામક શ્રી એ.કે. વસ્તાણી, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.એચ. બારોટ તેમજ વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


