GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુર તાલુકા પંચાયત ખાતે આદિજાતિ સ્વ-સહાય જૂથોની ૨૫ મહિલાઓને સિલાઈ મશીન અર્પણ

સંતરામપુર તાલુકા પંચાયત ખાતે આદિજાતિ સ્વ-સહાય જૂથોની ૨૫ મહિલાઓને સિલાઈ મશીન અર્પણ
****
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી અને તાલુકા પંચાયત પ્રમુખશ્રીની ઉપસ્થિતિમાં મહિલાઓને સ્વરોજગારીના સાધનોનું વિતરણ કરાયું
****
રિપોર્ટર
અમીન કોઠારી
મહીસાગર,

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા પંચાયત કચેરીના મીટીંગ હોલ ખાતે આજે આદિજાતિ સ્વ-સહાય જૂથોની મહિલાઓને પગભર બનાવવાના ઉમદા હેતુ સાથે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ૨૫ જેટલી જરૂરિયાતમંદ આદિજાતિ બહેનોને મહાનુભાવોના હસ્તે સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને આદિજાતિ વિસ્તારની મહિલાઓને સ્વરોજગારીના સાધનો ઉપલબ્ધ કરાવી તેઓને આર્થિક રીતે સધ્ધર બનાવવાનો છે.

આ ગરિમાપૂર્ણ કાર્યક્રમ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રજનીતાબેન એન. તાવીયાડ તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, તાલુકા વિકાસ અધિકારી (TDO), જિલ્લા લાઈવલીહુડ મેનેજર તથા તાલુકા લાઈવલીહુડ મેનેજર સહિત એન.આર.એલ.એમ. (NRLM) સ્ટાફની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય બાદ સ્વ-સહાય જૂથની બહેનોને સાધન સહાય અર્પણ કરી પ્રોત્સાહિત કરી હતી.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત બહેનોને માર્ગદર્શન આપતા તાલુકા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોરે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે બહેનો પોતે પગભર બને અને સ્વરોજગારી મેળવતી થાય તે સમયની માંગ છે. જે બહેનોએ હજુ સુધી ટેકનિકલ તાલીમ મેળવી નથી, તેઓને તાલીમ પૂર્ણ કરવા સૂચન કર્યું હતું જેથી તેઓ સિલાઈ મશીનનો કુશળતાપૂર્વક ઉપયોગ કરી પોતાની આવકમાં વૃદ્ધિ કરી શકે અને પરિવારનો આર્થિક આધાર બની શકે.

 

સિલાઈ મશીન વિતરણ બાદ મહાનુભાવોએ કાર્યક્રમ સ્થળે હરસિધ્ધિ મિશન મંગલમ જૂથ (પાદેડી અડોર) દ્વારા ઉત્પાદિત સાબુ અને ફિનાઈલના સ્ટોલ તેમજ ભગવતી મિશન મંગલમ જૂથ (નરસિંગપુર) દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રાકૃતિક શાકભાજીના સ્ટોલનું નિરીક્ષણ કરી બહેનોની કામગીરીને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિજાતિ સ્વ-સહાય જૂથની બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

Back to top button
error: Content is protected !!